જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં ચાર દિવસથી પડી રહેલાં ભારે વરસાદનાં કારણે મોટાભાગનાં જિલ્લાઓમાં પૂર જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. સતત થઈ રહેલાં વરસાદથી અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયાં છે. ચિનાબ નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જ્યારે તવી સહિતની અન્ય નદી-નાળાઓ પણ બે કાંઠે છે. સ્થિતિની ગંભીરતાને જોતાં નદી કિનારે વસતાં ગામડાનાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાથી મુશ્કેલીઓ વધી છે. રામબન જિલ્લામાં મુસાફરો ભરેલાં ટેમ્પો પર વિશાળ ખડક પડતાં દંપતીનું મોત થયું છે અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય સુંદરબનીમાં સરહદી ચોકી પર તૈનાત પંજાબનાં એક જવાન અને બાંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક બાળકનું મૃત્યુ થયું છે. ભારે વરસાદનાં પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ યાત્રા, માતા વૈષ્ણોદેવી યાત્રા અને શિવખોડી યાત્રા સતત પાંચમાં દિવસે પણ મુલતવી રાખવામાં આવી છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, ગુરુવાર બપોર પછી જ હવામાનમાં સુધારો થવાની શક્યતા છે. જોકે, હાલમાં ઉધમપુરથી રામબન વચ્ચે અનેક જગ્યાએ ભૂસ્ખલન થવાનાં કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સંપૂર્ણપણે બંધ છે. તેનાં સિવાય સંપર્ક માર્ગો બંધ થવાથી અને વીજળીનાં થાંભલા તથા ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચવાથી હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિક લોકો અટવાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
