નિ:સ્વાર્થ સેવા ટ્રસ્ટે વિવિધ વિભાગના ખર્ચની માહિતી માંગી
શહેરના નિ:સ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ જસદણની સરકારી હોસ્પિટલમાં ગેરરીતિ અંગે તા. 27-7-2026 ના રોજ આરોગ્ય તંત્રમાં આરટીઆઈ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે નિ:સ્વાર્થ ભાવે સેવાકાર્ય કરતા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવીએ જસદણ સરકારી હોસ્પિટલના વિવિધ વિભાગોના કાર્યો તેમજ વિવિધ પ્રકારના ખર્ચ અંગે માહિતી અધિકાર અધિનિયમના કાયદા હેઠળ તારીખ 5/1/26 ના રોજ સરકારી હોસ્પિટલના અધિક્ષક (માહિતી અધિકારી) પાસે માહિતી માંગતા તારીખ 16/1/26 અને 23/3/26 ના જવાબ રૂપે આપેલ માહિતીમાં લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવેલ હોવાનું સ્પષ્ટરીતે ધ્યાનમાં આવ્યું હતું. જોકે આજ દિવસ સુધી કોઈપણ પ્રકારની તપાસ કે કાર્યવાહી કરવામાં નહી આવતા જાહેર માહિતી અધિકારી વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ વિભાગ પાસે તપાસ અને કાર્યવાહી બાબતે જાણકારી મેળવવા માહિતી અધિકાર અધિનિયમના કાયદાનો ઉપયોગ કરતા જસદણ શહેર તેમજ પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. વધુમાં મેહુલભાઈ સંઘવીએ આક્રોષ ઠાલવતા જણાવ્યું હતું કે જસદણ સરકારી હોસ્પિટલમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ અને ગેરરીતિ આચરનારા જવાબદાર અધિકારીઓને ડો, ચેતન મહેતા, નાયબ નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ રાજકોટ દ્વારા રાજકીય વગના દબાણ હેઠળ છાવરવાનો પ્રયાસ કરી ફરજમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે. તે અંગના પુરાવાઓ સાથે પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવશે. ગુજરાત સરકાર આરોગ્ય બાબતે ખૂબજ ગંભીરતા દાખવી રહી છે ત્યારે દર્દીઓ પ્રત્યે બેદરકારી અને સરકારી નાણામાં થતી ગેરરીતિ કોઈપણ રીતે ચલાવી શકાય નહી. વહેલીતકે યોગ્ય તપાસ કે કાર્યવાહી કરવામાં નહી આવેતો ન્યાય મેળવવા હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પૂરતી તૈયારી મેહુલભાઈ સંઘવીએ દર્શાવી હતી.
