ટ્રેકટર-બાઈક રેલી સાથે ખેડુતોનું વિરોધ પ્રદર્શન; મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
કાલાવડ તાલુકાના જશાપર ગામે ખેડૂતોના ખેતરોમાં વીજ કંપની દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન ટાવરો ઊભા કરવાના વિરોધમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી સત્યાગ્રહ છાવણીના સમાપન દિવસે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો હતો. બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ ટ્રેક્ટર, બાઈક અને અન્ય વાહનો સાથે વિશાળ રેલી યોજી કાલાવડ મામલતદાર કચેરી સુધી પહોંચી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
જશાપર ગામેથી શરૂ થયેલી આ રેલીમાં આસપાસના વિસ્તારોના ખેડૂતો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર રેલી દરમિયાન ખેડૂતો દ્વારા “અમારી માંગો પૂરી કરો”, “યોગ્ય વળતર આપો”, “ખેડૂતોની મંજૂરી વિના ખેતરોમાં વીજ પોલ અને ટાવરો ઊભા નહીં કરવા દેવામાં આવે” તેમજ “ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરો” જેવા ગગનભેદી સૂત્રોચ્ચારો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાલાવડ મામલતદારને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમની ખેતીની જમીનમાં વીજ કંપની દ્વારા વીજ પોલ અને હાઈટેન્શન ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીને ભારે નુકસાન થવાની શક્યતા છે. જમીનનો ઉપયોગ મર્યાદિત બનશે, પાક ઉત્પાદન પર અસર પડશે અને ખેડૂતોને લાંબા ગાળે આર્થિક નુકસાન સહન કરવું પડશે. તેથી કોઈપણ પ્રકારની કામગીરી શરૂ કરતાં પહેલાં ખેડૂતોને યોગ્ય અને સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેમજ જમીનના સતત ઉપયોગ બદલ યોગ્ય ભાડું પણ નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ખેડૂતોનું સ્પષ્ટ કહેવું હતું કે તેમની સંમતિ વિના તેમની જમીનમાં કોઈપણ પ્રકારની કામગીરી સ્વીકાર્ય નથી. સરકાર અને સંબંધિત વિભાગોએ ખેડૂતો સાથે ચર્ચા કરીને ન્યાયસંગત નિર્ણય લેવો જોઈએ. સાથે જ જમીનની યોગ્ય માપણી, અસરગ્રસ્ત ખેડૂતોની યાદી તૈયાર કરવી અને તમામ પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવાની પણ માંગ કરવામાં આવી હતી. ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા સાત દિવસથી સત્યાગ્રહ છાવણી દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ જો સરકાર દ્વારા ખેડૂતોની વ્યાજબી માંગણીઓની અવગણના કરવામાં આવશે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. જરૂર પડશે તો તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ મોટા પાયે કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
