જૂનાગઢના મોતીબાગથી મધુરમ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી

પોલીસ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ કાર્યવાહી

જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના મોતીબાગથી મધુરમ વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અને અનેક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવા અને ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને કાયમી મુક્તિ અપાવવા માટે જુનાગઢ પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની દબાણ શાખા અને સી ડિવિઝન પોલીસના સંયુક્ત ઉપક્રમે મોતીબાગથી મધુરમ ટીંબાવાડી વિસ્તાર તેમજ મધુરમ મેઈન રોડ અને ટીંબાવાડી મેઈન રોડ પર સંયુક્ત ’દબાણ હટાવો ડ્રાઇવ’ યોજવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રસ્તા પર અનાધિકૃત રીતે ઉભા રહેતા ફળ-શાકભાજીના લારી-ગલ્લાં અને ખાણી-પીણીની ગેરકાયદેસર કેબિનોને દૂર કરવામાં આવ્યા છે.
દરમિયાન મનપાના પબ્લિક રિલેશન ઓફિસરની યાદી મુજબ, વેપારીઓ અને નાના ફેરિયાઓની રોજીરોટી ન છીનવાય અને તેમનું ગુજરાન જળવાઈ રહે તે બાબતને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં વિશેષ રૂપે હોકર્સ ઝોન તૈયાર કરવામાં આવેલ છે. ફેરિયાઓ ત્યાં વ્યવસ્થિત રીતે પોતાનો વ્યવસાય કરી શકશે. આ સાથે જૂનાગઢ પોલીસ વિભાગ અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ શહેરના તમામ મુખ્ય રસ્તાઓને દબાણ મુક્ત રાખવા માટે આ પ્રકારની કામગીરી સતત અને સઘન રીતે ચાલુ રાખવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ