છેલ્લા 10 દિવસમાં સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી 18 ગામો પૂરથી અસરગ્રસ્ત


બોરાળા ગામ કલાકો સુધી સંપર્ક વિહિન: રેલવેના પુલીયામાં ભરાયેલો કચરો દૂર કરવા માંગ

સાવરકુંડલા તાલુકામાં છેલ્લા દસ દિવસમાં બે વખત અનરાધાર વરસાદને કારણે શેત્રુંજી નદીના કાંઠા વિસ્તારના આશરે 18 જેટલા ગામો પાણીના પૂરથી પ્રભાવિત થયા હતા. તેમાં ખાસ કરીને સાવરકુંડલા તાલુકાનું બોરાળા ગામ કેટલાક કલાકો માટે સંપૂર્ણપણે સંપર્ક વિહીન બની ગયું હતું.
ગ્રામજનોના મતે આ વિસ્તારમાં પાણી વધુ પ્રમાણમાં ભરાઈ જવાનું મુખ્ય કારણ જીરા રોડ રેલવે સ્ટેશનનો ટ્રેક છે. આ ટ્રેક પર બે નાના પુલ બનાવવા છતાં પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકતો નથી, જેના કારણે બોરાળા અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. આ પૂરને કારણે આશરે 1600 એકર જમીન ડૂબી ગઈ તેમજ ધોવાઈ ગઈ છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે રેલવે વિભાગે પાણીના નિકાલ માટે ત્રણ મોટા ભૂંગળા મૂકીને જે પુલિયું બનાવ્યું છે, તે પાણીના નિકાલ માટે પૂરતું સક્ષમ નથી. આ પુલિયાની બાજુમાંથી પણ ટ્રેક નીચેની જમીન ધોવાઈ ગઈ છે. જો ભવિષ્યમાં વધુ પાણી આવે તો રેલવે ટ્રેક નીચેથી ધોવાઈ જવાની પૂરી શક્યતા છે. વળી, આ પુલિયામાં કચરો ભરાઈ ગયો હોવા છતાં રેલવે વિભાગે તેનો નિકાલ કરવાની કોઈ તાત્કાલિક કાર્યવાહી કરી નથી, જેના કારણે ટ્રેકને નુકસાન થવાનું જોખમ વધી રહ્યું છે.
ગ્રામજનોની માંગ છે કે રેલવે વિભાગ તાત્કાલિક ધોરણે પુલિયામાં ભરાયેલો કચરો દૂર કરે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે, જેથી વધુ નુકસાન અટકાવી શકાય. તેમજ જીરા રોડથી લીલીયા તરફ આશરે એક કિલોમીટર લાંબો પુલ બનાવવામાં આવે તો શેત્રુંજી નદીમાંથી આવતા તમામ પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને આ વિસ્તારના ખેડૂતોની જમીન, પાક તેમજ મકાનોને નુકસાનથી બચાવી શકાય.
સ્થાનિકો આ બાબતે રેલવે વિભાગ અને સંબંધિત અધિકારીઓનું તાત્કાલિક ધ્યાન દોરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ