રાજકોટમાં મહીલા સહીત પાંચ લોકોના હૃદયરોગના હુમલાથી મોત

પાંચેય વ્યક્તિને બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા પણ જીવ ન બચ્યો

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં માલીયાસણ ખાતે શ્રમિક ભગવતીપરામાં આધેડ, સ્લમ કવાર્ટરમાં પ્રૌઢ, સદરબજારમાં પ્રૌઢા અને ધરમ ટોકીઝ પાસે ગર્વમેન્ટ કવાર્ટરમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ, તમિલનાડુમાં રહેતા શંકરભાઈ રંગનભાઈ (ઉ.45) સાંજના પાંચેક વાગ્યાના અરસામાં માલીયાસણ ખાતે આવેલા શ્રીરામ ટ્રાન્સપોર્ટ ખાતે હતાં ત્યારે છાતીમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે પ્રૌઢુનું હાર્ટએટેકથી મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બીજા બનાવમાં ભગવતીપરામાં રહેતા યુનુસભાઈ નુરમહમદભાઈ હરઝાદા (ઉ.52) પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે ખસેડાયા હતાં. આધેડનું હોસ્પિટલના બીછાને મોત નપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ત્રીજા બનાવમાં જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં સુરેશભાઈ શાંતિલાલ ગોહિલ (ઉ.50)ને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તબીબે આધેડનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું.
ચોથા બનાવમાં સદરબજારમાં આવેલા ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં જમનાબેન રસીકભાઈ મકવાણા નામના 52 વર્ષના મહિલા સફાઈ કામદારનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. પાંચમાં બનાવમાં કસ્તુરબા રોડ પર ધરમ ટોકીઝ પાસે ગર્વમેન્ટ કવાર્ટરમાં રહેતાં ખીમશીભાઈ લક્ષ્મણભાઈ મોરી (ઉ.68) પોતાના ઘરે હતાં ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. વૃધ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું તબીબે જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ