રાજયની 17 હજાર ખાનગી શાળાઓની સંસ્થામાં અંકુશકારી જોગવાઇના વિધાયક સામે વિરોધ

જરૂર પડયે આંદોલન: સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

ગુજરાતની સ્વનિર્ભર ખાનગી શાળાઓએ પોતાના સ્વભંડોળ, સ્વબળ અને વર્ષોની મહેનતથી ઊભું કરેલું શિક્ષણતંત્ર હવે સરકારી બાબુશાહી અને વધતી અધિકારીકીય દખલગીરી સામે વિરોધના વંટાળમાં સપડાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક-2026માં રજિસ્ટર્ડ ખાનગી શાળાઓને અસર કરતી અત્યંત કડક અને અંકુશકારી જોગવાઈઓ સામે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકાર સામે ભારે રોષ અને ગંભીર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
સંચાલનની સ્વાયત્તતા ઘટાડતી જોગવાઈ સામે ભારે રોષ
નવા વિધેયકમાં શિક્ષણ બોર્ડને રજિસ્ટર્ડ ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક કાર્યો તેમજ આચાર્ય અને શિક્ષકોની કામગીરી અંગે સીધું અસરકારક નિયંત્રણ રાખવાની અને મેનેજમેન્ટને દિશાનિર્દેશ આપવાની વ્યાપક સત્તાઓ સોંપવામાં આવી છે. મહામંડળના મતે, કોઈપણ સરકારી ગ્રાન્ટ કે આર્થિક સહાય લીધા વિના ચાલતી સ્વનિર્ભર શાળાઓની આંતરિક વ્યવસ્થામાં આ પ્રકારનો હસ્તક્ષેપ શાળાઓની સંચાલકીય સ્વાયત્તતા પર સીધી તરાપ સમાન છે.
શાળા ચલાવવી કે અધિકારીઓને સતત માહિતી આપવી?
સ્થાનિક સ્તરે જિલ્લા શિક્ષણ અધિકારી (ઉઊઘ) સહિતના વહીવટી અધિકારીઓ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના ડેટા, અહેવાલો અને આંકડાકીય માહિતીની માગણી કરવામાં આવતી હોવા અંગે પણ સંચાલકોમાં તીવ્ર અસંતોષ છે. મહામંડળે સવાલ ઉઠાવ્યો છે કે શાળાનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપવાનું છે કે રોજિંદા શૈક્ષણિક કાર્ય છોડીને માત્ર અધિકારીઓની માહિતી એકત્ર કરી મોકલવાનું?
લાયકાતથી લઈને સર્વિસ કન્ડિશન સુધીનું કડક નિયંત્રણ
વિધેયકમાં રજિસ્ટર્ડ ખાનગી શાળાઓના પ્રિન્સિપાલ, શિક્ષકો, સ્પેશિયલ એજ્યુકેટર અને નોન-ટીચિંગ સ્ટાફની લાયકાત સરકારના નિયમો મુજબ નક્કી કરવાની જોગવાઈ કરાઈ છે. મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણની ગુણવત્તા માટેના ધોરણો આવકાર્ય છે, પરંતુ જે શાળાઓ કર્મચારીઓના પગાર કે અન્ય ખર્ચ માટે સરકાર પાસેથી 1 રૂપિયો પણ ગ્રાન્ટ કે સહાય મેળવતી નથી, તેના આંતરિક વહીવટમાં નિયંત્રણ યોગ્ય નથી.
સસ્પેન્શન માટે પણ સરકારી અધિકારીની મંજૂરી જરૂરી!
કર્મચારી સામે તપાસ પેન્ડિંગ હોય અને મેનેજમેન્ટ દ્વારા સસ્પેન્શન કરવામાં આવે તો બોર્ડના અધિકૃત અધિકારીને જાણ કરી 45 દિવસમાં મંજૂરી લેવાની પ્રક્રિયા રાખવામાં આવી છે. સંચાલકોના મતે આંતરિક વહીવટી નિર્ણયમાં આવી વધારાની પ્રક્રિયા સંચાલકોની નિર્ણયક્ષમતાને નુકસાન પહોંચાડશે.
ભૂલ પડે તો 10 લાખ સુધીનો અધધ દંડ!
પ્રિન્સિપાલ કે સ્ટાફની નિમણૂકમાં નિયમોનું પાલન ન થાય તો સેક્શન 41 હેઠળ દંડની રકમ 1,000થી સીધી વધારીને 10 લાખ કરવામાં આવી છે, જે સંચાલકો માટે ગંભીર આર્થિક જોખમ સમાન છે.
શાળા બંધ કરવી હોય તો 6 મહિના અગાઉ નોટિસ – 20 લાખ દંડ
રજિસ્ટર્ડ ખાનગી શાળા બંધ કરવાની હોય તો બોર્ડને ઓછામાં ઓછા 6 મહિના અગાઉ લેખિત નોટિસ આપવી ફરજિયાત છે. આ નિયમનો ભંગ કરનાર સામે 20 લાખ સુધીનો ભારે દંડ ફટકારવાની જોગવાઈ વિધેયકમાં રાખવામાં આવી છે.
સરકારી દખલગીરીનો માર્ગ વિસ્તરતો હોવાનો આક્ષેપ
વિધેયકમાં જયભશિંજ્ઞક્ષ 33નો વ્યાપ રજિસ્ટર્ડ ખાનગી શાળાઓ સુધી વિસ્તૃત કરાયો છે. ’જફિિીંંજ્ઞિિું ઉીશિંયત’ની અવગણના કે ’ઙીબહશભ ઈંક્ષયિંયિતિ’ં જેવી પરિસ્થિતિ બતાવીને સરકાર ગમે ત્યારે શાળાના વહીવટમાં હસ્તક્ષેપ કરી શકે તેવી જોગવાઈ સામે સંચાલકોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સંચાલકોને વિશ્વાસમાં લીધા વગર કાયદો બનાવ્યો: ભારે વિરોધ
મહામંડળે આક્ષેપ કર્યો છે કે આટલું મહત્વનું વિધેયક તૈયાર કરતી વખતે શિક્ષણ ક્ષેત્રના મુખ્ય ભાગીદાર એવા ખાનગી શાળા સંચાલકોના પ્રતિનિધિ સંગઠનો સાથે કોઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી નથી કે તેમને વિશ્વાસમાં લેવાયા નથી. સ્વનિર્ભર શાળાઓ સ્વતંત્ર રીતે ઉત્કૃષ્ટ શિક્ષણ આપી રહી છે ત્યારે બિનજરૂરી નિયંત્રણો સ્વીકાર્ય નથી. ટૂંક સમયમાં જ ખાનગી શાળાના સંચાલકો અને કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી સકારાત્મક વિરોધ નોંધાવશે. જો સરકાર દ્વારા વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો સંચાલકો આંદોલનાત્મક પગલાં ભરવા કટિબદ્ધ છે.તેમ પ્રમુખ જતીનભાઈ ભરાડ અને મહામંત્રી મનહરભાઈ રાઠોડ દ્વારા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ