રાત્રીથી સવાર સુધીમાં હુમલાની ચાર ઘટનાઓ સામે આવી: પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત: હુમલાખોર સિંહણ પાંજરે પુરાઈ
વડિયા તાલુકાના અરજણસુખ અને તોરી ગામ વચ્ચે રાત્રીથી સવાર સુધીમાં વન્યપ્રાણી દ્વારા હુમલાની ચાર ઘટનાઓ સામે આવ્યાના અહેવાલથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ઇજાગ્રસ્તો અને સ્થાનિકોના જણાવ્યા મુજબ હુમલો સિંહણ દ્વારા કરવામાં આવ્યા હતા .મળતી માહિતી મુજબ, મોડી રાત્રિના એક વાગ્યાં આસપાસના સમયે બાઈક પર પસાર થઈ રહેલા બે વ્યક્તિઓ અરજનસુખ થી તોરી ગામ જવાના રસ્તે અચાનક વન્યપ્રાણી સિંહણ દ્વારા હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તેને વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખાસેડાયા હતા.ત્યારબાદ સવારે આશરે 7 વાગ્યાના અરસામાં વાડિના રહેણાંક મકાનના ફળીયા વિસ્તારમાં ખેતમજૂર પરીવાર રસોઈ બનાવતો હતો ત્યારે પત્ની અને બાળકોની હાજરીમા ખેતમજૂર પર વન્યપ્રાણી દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં પણ ઇજા પહોંચેલા વ્યક્તિને 108 એમ્બ્યુલન્સ મારફતે વડિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.આ ઉપરાંત અરજણસુખ ગામની સીમમાં સવારે નવ વાગ્યાં આસપાસ વધુ એક ખેડૂત પર હુમલાની ઘટના સામે આવી હતી અને તે ખેડૂત પણ ઈજાગ્રસ્ત બનતા તેને વડિયા સિવિલમાં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. તે ખેડૂતે જણાવ્યા અનુસાર જંગલી હિંસક પ્રાણી સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યાનું જણાવ્યું હતુ. આમ, રાત્રીથી સવાર સુધીમાં ત્રણ અલગ-અલગ હુમલાની ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
ઇજાગ્રસ્તોમાં: અતુલભાઈ માધાભાઈ પોકળ, ઉંમર 37 વર્ષ, રહે. અરજણસુખ છોટુ સરદારભાઈ રાવત, રહે. અરજણસુખ ભગીરથભાઈ ગભરુભાઈ, રહે. તોરી મેહુલભાઈ મનુભાઈ, રહે. તોરી નો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત તમામ વ્યક્તિઓને વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાઓની જાણ થતાં વનવિભાગની ટીમો પણ હરકતમાં આવી છે. છ ટીમો સાથે વનતંત્ર દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી વન્યપ્રાણીની હિલચાલ અંગે તપાસ કરવામાં આવી રહી છે અને સિંહણને પકડવા માટે જરૂરી ચક્રો ગતિમાન કરી ને તાત્કાલિક સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.આ સમયે આ હિંસક સિંહણ દ્વારા એક વન કર્મી પર હુમલો કરતા ફરી ભયનો માહોલ છવાયો હતો આ વન કર્મી ને પણ સારવાર અર્થે ખાસેડવામાં આવ્યો હતો. વન કર્મી પર હુમલા બાદ વન વિભાગ એક્શન મોડમાં આવી ને સિંહણ ને પાંજરે પુરવા સઘન કાર્યવાહી હાથ ધરી હતી. અને અંતે બપોરના સમયે આ સિંહણ પાંજરે પૂરાતા વનતંત્ર, સ્થાનિક તંત્ર,ખેડૂતો એ રાહત નો શ્વાસ લીધો હતો.વડિયા વિસ્તારમાં ટૂંકા સમયગાળામાં વન્ય પ્રાણીઓ દીપડા અને ત્યાર બાદ સિંહના હુમલાની ઘટનાઓ સામે આવતાં ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો તેમજ આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
