દિવાળી પૂર્વે માત્ર એક રવિવાર જ વેપાર કરવાની તક મળતા વેપારીઓમાં રોષ ભભુકયો
મોરબીમાં તહેવારોની સિઝન વચ્ચે રવિવારી બજારને સતત ચાર અઠવાડિયા બંધ રાખવાના મોરબી મહાનગરપાલિકાના નિર્ણયને લઈને નાના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ રાજ્ય સરકાર તહેવારો દરમિયાન નાના વેપારીઓને રોજગારી અને કમાણીની તક મળે તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે, ત્યારે બીજી તરફ મનપાના નિર્ણયથી અનેક પરિવારોની તહેવારની કમાણી પર અસર થવાની ભીતિ છે.
મનપાના નિર્ણય મુજબ રવિવારી બજાર આગામી ચાર અઠવાડિયા સુધી બંધ રહેશે. જેના કારણે વેપારીઓને હવે 1 નવેમ્બરના રવિવારે જ બજાર ભરવાની તક મળશે. ત્યારબાદ 8 નવેમ્બરે દિવાળી હોવાથી દિવાળી પૂર્વેની ખરીદીમાંથી કમાણી કરવા માટે નાના વેપારીઓ પાસે માત્ર એક જ રવિવારનો સમય રહેશે.
વેપારીઓનું કહેવું છે કે નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન રવિવારી બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે. આવા સમયે સતત ચાર અઠવાડિયા બજાર બંધ રાખવાનો નિર્ણય નાના વેપારીઓ માટે આર્થિક મુશ્કેલી ઊભી કરી શકે છે.નાના ગરીબ વેપારીઓએ મનપાના નિર્ણય સામે સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે શહેરમાં અનેક વિસ્તારોમાં ગંદકી સહિતની સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે, ત્યારે રવિવારી બજારના નાના વેપારીઓ સામે આટલો કડક નિર્ણય લેવો કેટલો યોગ્ય છે તે અંગે મનપાએ વિચારવું જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા તહેવારો દરમિયાન નાના વેપારીઓને ધંધો કરવાની તક મળે અને તેમના પરિવારની આવક જળવાઈ રહે તે માટે વિવિધ સ્તરે છૂટછાટ અને સહકાર આપવામાં આવતો હોવાનો વેપારીઓનો દાવો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નાના વેપારીઓ અને રોજીરોટી સાથે જોડાયેલા લોકોની ચિંતા કરતા હોવા છતાં મોરબી મનપાનું વલણ તેનાથી વિપરીત હોવાનો આક્ષેપ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો છે.હવે રવિવારી બજારના નાના વેપારીઓ મનપા પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરે અને તહેવારોની સિઝનમાં વેપાર કરવાની તક આપે તેવી માંગ કરી રહ્યા છે.
