ઇન્ડોનેશિયાની બાયોફ્યુઅલ નીતિ, સુપર અલ નીનો અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્ર્વિક સ્તરે ખાદ્ય તેલની તંગી સર્જાવાનો ડર
આગામી દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા તહેવારો ટાણે ભારતીય ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવી શક્યતા સેવાઈ રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ, સુપર અલ નીનોની અસર અને ઇન્ડોનેશિયાની બાયોફ્યુઅલ નીતિને કારણે વૈશ્વિક બજારમાં ખાદ્ય તેલનાં ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં પામ ઓઈલ સહિતનાં ખાદ્ય તેલોના ભાવ તેનાં ઉચ્ચતમ સ્તરે પહોંચી શકે છે, જેની સીધી અસર ભારતનાં સ્થાનિક બજાર અને રસોડાના બજેટ પર પડશે.
ખાદ્ય તેલની કિંમતો વધવા પાછળનું સૌથી મોટું કારણ વિશ્વનાં સૌથી મોટા પામ ઓઈલ ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયાની નીતિ છે. ઇન્ડોનેશિયાએ જુલાઈ 2026થી ડીઝલમાં 50 ટકા પામ ઓઈલમાંથી બનાવેલું બાયોફ્યુઅલ ઉમેરવાની ’ઇ-50’ નીતિને મંજૂરી આપી છે. આ કારણે ઇન્ડોનેશિયા પોતાના દેશમાં જ પામ ઓઈલનો વપરાશ વધુ કરશે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવા માટે તેની પાસે તેલનો પુરવઠો ઘટશે. વૈશ્વિક બજારમાં પુરવઠો ઘટતા ભાવ વધવા નક્કી છે.
બીજી તરફ, હવામાનમાં થઈ રહેલાં ફેરફારો અને સુપર અલ નીનોના કારણે પામ ઉત્પાદન પર વિપરીત અસર પડી શકે છે. અલ નીનોના લીધે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતાં પામ અને અન્ય તેલીબિયાંના પાકને પૂરતું પાણી નહીં મળે, જેનાથી આગાઉના વર્ષોની સરખામણીએ ઉત્પાદનમાં ઘટાડો થશે. ભારતમાં પણ ઓછો વરસાદ થવાની શક્યતાને કારણે સ્થાનિક ખાદ્ય તેલનું ઉત્પાદન 2025-26ના 97 લાખ ટનથી ઘટીને 2026-27માં 92 લાખ ટન રહેવાનો અંદાજ છે, જેથી ભારતે વિદેશથી રેકોર્ડબ્રેક 1.72 કરોડ ટન તેલ આયાત કરવું પડશે. વધુમાં, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતાં યુદ્ધને કારણે સૂરજમુખી તેલનો પુરવઠો ખોરવાયો છે.
યુદ્ધનાં કારણે બંદરો અને પરિવહન માર્ગો પર થયેલાં હુમલાને લીધે સૂરજમુખી તેલ બજાર સુધી પહોંચાડવું મુશ્કેલ બન્યું છે. સાથોસાથ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવ ઊંચા રહેતાં દેશો ખાદ્ય તેલમાંથી બાયોફ્યુઅલ બનાવવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. આ તમામ પરિબળો ભેગા મળીને તહેવારોના ટાણે ખાદ્ય તેલમાં ભારે મોંઘવારી લાવે તેવી પૂરી શક્યતા છે.
