અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પડકારજનક કાર્ય નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ; મુસાફરોની સુગમ અવરજવર અને ભીડ વ્યવસ્થાપનને મળશે મજબૂતી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણાધીન 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજ ના ગર્ડર લોન્ચિંગનું કામ 2 થી 8 ઓક્ટોબર 2026 દરમિયાન વિવિધ તબક્કાઓમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું. આ કામગીરી નિર્ધારિત સમય કરતાં વહેલી પૂર્ણ કરવામાં આવી હતી.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પડકારજનક કામ માટે 350 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતી એક ક્રેન, એટલી જ ક્ષમતા ધરાવતી એક વધારાની ક્રેન, ત્રણ હાઈડ્રા મશીનો, પાંચ વેલ્ડર, છ ગેસ કટર, 60 કુશળ શ્રમિકો અને ચાર સુપરવાઇઝર તૈનાત કરવામાં આવ્યા હતા. બંને રેલવે લાઇન પર ટ્રેનોના સંચાલનમાં ન્યૂનતમ વિક્ષેપ પડે તે માટે વિશેષ આયોજન સાથે કામગીરી કરવામાં આવી હતી તેમજ સલામતીના માપદંડોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ઉછખ) ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરતી વખતે મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સુરેન્દ્રનગર સ્ટેશન પર ગર્ડર લોન્ચિંગનું કામ નિર્ધારિત સમય કરતાં વહેલું પૂર્ણ થવું એ અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસો તથા તકનીકી કાર્યક્ષમતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ મુસાફરોની સરળ અવરજવર અને વધુ સારા ભીડ વ્યવસ્થાપનમાં મદદરૂપ સાબિત થશે.
