વનકર્મીઓને સુરક્ષા, પગાર સહિતના પ્રશ્ર્ને રજૂઆતો
ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ (ભાવનગર જિલ્લા યુનિટ) અમરેલી રાજકોટ રાજુલા દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની જાહેરાત કરાઈ છે. ગુજરાત રાજ્યના વનરક્ષક તથા વનપાલ સંવર્ગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે મંડળ દ્વારા મુખ્યમંત્રીના કાર્યાલય, વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર ખાતે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આ પગલું ભરવામાં આવ્યું છે. આંદોલનનો કાર્યક્રમ મુજબ જિલ્લા વાઈઝ બદલીના પ્રશ્નો બાબતે આવેદન પત્રક અપાશે દરેક સરકારી સફારીમાં અને ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવામાં આવશે. પેન ડાઉન કાર્યક્રમ યોજાશે. દરેક સરકારી વોટ્સએપ ગ્રુપમાંથી નીકળી ઓનલાઈન કામગીરી તેમજ રેસ્ક્યુ સિવાયની તમામ કામગીરી બંધ કરવામાં આવશે. માસ સી.એલ. અને અચોક્કસ મુદતની કલમી હડતાલ કરાશે મંડળની મુખ્ય માંગણીઓ વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓને સુરક્ષા અને સિક્યુરિટી એલાઉન્સ આપવું. વનરક્ષક તથા વનપાલ કર્મચારીઓને રજાના દિવસે બજાવવામાં આવતી ફરજ બદલ 48 દિવસની જગ્યાએ પૂરેપૂરી આપવી તેમજ રજા પગારનું ચૂકવણું બેઝિક+ઉઅ પગાર ધોરણ મુજબ કરવું તથા પોલીસ વિભાગના ધારા ધોરણ મુજબ કરવું. વનરક્ષક તથા વનપાલ કેડર કરતા નીચલા દરજ્જાના કેટલાક કર્મચારી/રોજમદાર કેડરને મળતા ગ્રેડ-પેની સરખામણીએ વનરક્ષકને ઓછું વેતન મળતું હોવાની ગંભીર વિસંગતતા દૂર કરવા ઉચ્ચ કક્ષાની વિભાગીય સમિતિ રચી સમગ્ર પગાર માળખાની સમીક્ષા કરવી. વનરક્ષક ભરતી બંધ કરીને તથા વનપાલની બંધ કરવામાં આવેલ જગ્યાના મંજૂરીમાં પુન: ચાલુ કરી તેમજ રાઉન્ડ, બીટ તથા રેન્જ વિસ્તરણ કરી નવી જગ્યાઓ ઉભી કરવી. વનરક્ષક તથા વનપાલની લાંબા સમયથી પડતર બદલીના પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવાનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા આ બાબતે વ્યક્તિગત રસ લઈને સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સમગ્ર વનરક્ષક કર્મચારી વર્ગની આશા અને વિશ્વાસ છે. પરંતુ આજદિન સુધી કોઈ જ પ્રવૃત્તિ આપવામાં આવેલ નથી અને કર્મચારીના પ્રશ્નો બાબતે ઉપેક્ષાવૃત્તિ સેવવામાં આવેલ છે.
