ભાડથર જિ.પં.ની પેટા ચૂંટણીમાં 65 ટકા મતદાન: ભાડથરમાં મતદારોને નાણા અપાતા હોવાનો કથીત વિડીયો વાયરલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ઓખા નગરપાલિકા તેમજ ખંભાળિયા તાલુકાની ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં આજે સાંજે 6 વાગ્યા સુધીમાં ઓખામાં 63 ટકા અને ભાડથર જિલ્લા પંચાયત માટે 65 ટકા મતદાન થયું હતુ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. નગરપાલિકાના કુલ 9 વોર્ડ પૈકી વોર્ડ નં. 4 બિનહરીફ જાહેર થતાં 8 વોર્ડના 32 ઉમેદવારો માટે ચૂંટણી જંગ જામ્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 75 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી રાજકીય પક્ષો વચ્ચે રસાકસી જોવા મળી હતી. દિવસ દરમિયાન ઓખા નગરપાલિકામાં આશરે 63.27 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી માટે ભાજપના 32, કોંગ્રેસના 28 અને આમ આદમી પાર્ટીના 15 ઉમેદવારો મેદાનમાં હતા. આ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. નગરપાલિકા વિસ્તારમાં કુલ 40,768 મતદારો નોંધાયેલા છે. તેમાંથી વોર્ડ નંબર 4ના બિનહરીફ જાહેર થયેલા વોર્ડના 4,245 મતદારોને બાદ કરતાં કુલ 36,523 મતદારો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 19,038 પુરુષ મતદારો, 17,483 મહિલા મતદારો અને 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ચૂંટણીમાં 39 બીયુ (બેલેટ યુનિટ) અને 1 સીયુ (કંટ્રોલ યુનિટ)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચૂંટણી કામગીરી માટે 195 જેટલા પોલિંગ સ્ટાફની ફરજ નિર્ધારિત કરવામાં આવી હતી. ઓખા નગરપાલિકાનાં કુલ 39 મતદાન મથકો પૈકી 24 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા હતા. સંવેદનશીલ મતદાન મથકોને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનના અંતે 63.27 ટકા મતદાન જેટલું નોંધાતાં ચૂંટણીનાં પરિણામો અંગે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી હતી. આજરોજ આ બંને ચૂંટણીના મતદાનની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી અને કોઈપણ ફરિયાદ નોંધાઈ ન હતી. મંગળવાર તા. 13 ના રોજ આ બંને ચૂંટણીની મતગણતરી અલગ અલગ સ્થળે યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા પોતપોતાની તરફે જીતના દાવાઓ કરાઈ રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 3, ભાડથર બેઠકના સદસ્ય ડો. પી.વી. કંડોરીયાના થોડા સમય પૂર્વે થયેલા અવસાનના કારણે ખાલી પડેલી આ બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આજરોજ થયેલા મતદાન પૂર્વે છેલ્લા કેટલાક દિવસોથી ભારે રસાકસી અને ખેંચતાણભર્યો માહોલ સર્જાયો હતો. ખંભાળિયા તાલુકાની ભાડથર બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ કુલ 3 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. 17,209 મતદાર અને 21 મતદાન મથક સાથેના ભાડથર વિસ્તારમાં પ્રથમ બે કલાકમાં ધીમુ 7.12 ટકા મતદાન થયું હતું. જે ધીમે ધીમે વેગ પકડતા સાંજે 5 વાગ્યા સુધીમાં 60.70% અને 6 વાગ્યા સુધીમાં 65.44 % મતદાન નોંધાયું છે. ખૂબ જ રસાકસીભરી અને ત્રિપાંખિયા જંગવારી ભાડથર બેઠકની ચૂંટણી ખૂબ જ પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી હતી. જે માટે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓના ધાડા મેદાનમાં ઊતરી આવ્યા હતા. મતદાન દરમિયાન એક સ્થાનિક આગેવાન દ્વારા પોતાની પાર્ટી તરફે મતદારો મતદાન કરે તે માટે રોકડ રકમ આપતા હોવાના કથિત વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા. જો કે આ અંગે મોડે સુધી કોઈ વિધિવત રીતે ફરિયાદ નોંધાઈ નથી.
ભાડથર પેટા ચૂંટણી માટે મતદારોને નાણાનું વિતરણ કરવા સબબ સરપંચ સામે ફરિયાદ
ખંભાળિયા તાલુકાના ભાડથર જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે આજરોજ યોજાયેલા મતદાન દરમિયાન મતદારોને રોકડ રકમ આપવામાં આવતી હોવાના સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વિડીયો સંદર્ભે તંત્રએ જરૂરી કાર્યવાહી કરી, આ પ્રકરણમાં આરોપી મનાતા સ્થાનિક સરપંચ સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની વિગતો આપતા એ.એસ.પી. પ્રખર કુમારે જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર (તા. ખંભાળિયા) બેઠક માટે આજરોજ યોજાયેલી પેટા ચૂંટણીના મતદાનમાં મતદારોને રિઝવવા માટે નાણાની લાલચ અંગેનો કથિત વિડીયો ધ્યાનમાં આવતા પોલીસે કરેલી કાર્યવાહીમાં ભાડથર ગામના સરપંચ સામત બાબુભાઈ કંડોરીયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ કથિત બનાવને અનુલક્ષીને સરપંચ દ્વારા ચોક્કસ ઉમેદવાર કે રાજકીય પક્ષ તરફે મતદાન કરવા પ્રેરિત કરીને મતદારોને નાણાંનું વિતરણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું છે. આ મામલે પોલીસે બી.એન.એસ. ની કલમ 173 તેમજ ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ ગુનો નોંધી, આ સંદર્ભે ચૂંટણી અધિકારી તેમજ રાજ્ય ચૂંટણી પંચને પણ જાણ કરવામાં આવી છે.
