વરસાદી પાણીના નિકાલની દીવાલ રેલ્વેએ તોડતા… કડિયાળી ગામે ખેતરમાં ધોવાણ થતા રોષે ભરાયેલા ખેડૂતોએ ટ્રેન રોકી આક્રોશ ઠાલવ્યો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કડિયાળી ગામ નજીક વરસાદી પાણીના નિકાલના પ્રશ્ને ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતાં ખેતીની જમીનનું ધોવાણ થતું હોવાની ફરિયાદ સાથે આજે ખેડૂતોએ વિરમગામથી પીપાવાવ જતી ગુડ્સ ટ્રેન રોકી વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજુ સોલંકીની આગેવાનીમાં યોજાયેલા આ આંદોલનમાં ખેડૂતો અને મહિલાઓ જોડાયાં હતાં.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, કડિયાળી ગામના ખેડૂતોની ખેતીની જમીન વરસાદી પાણીના પ્રવાહને કારણે ધોવાઈ રહી છે. વરસાદી પાણીના નિકાલ માટેની દીવાલ રેલવે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતાં ખેતરોમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતો છેલ્લા ત્રણ મહિનાથી રેલવે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરી રહ્યા હતા.
આ ઉપરાંત, ત્રણ મહિના અગાઉ પણ રેલવે વિભાગને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતાં ખેડૂતોમાં રોષ વ્યાપ્યો હતો. રેલવે તંત્ર દ્વારા પ્રશ્નનું નિરાકરણ ન લાવવામાં આવતાં આજે રાજુ સોલંકી સહિતના ખેડૂતો કડિયાળી ગામ નજીક એકત્રિત થયા હતા અને વિરમગામથી પીપાવાવ તરફ જતી માલગાડીને રોકી આંદોલન શરૂ કર્યું હતું. ખેડૂતોની જમીનનું ધોવાણ અટકાવવા તેમજ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આંદોલન કારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રેલવે તંત્ર દ્વારા પ્રશ્નના નિરાકરણ અંગે લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. ત્યારબાદ સમજાવટ થતાં આંદોલન સમેટાયું હતું અને માલગાડીને આગળ જવા દેવામાં આવી હતી ખેડૂતોના પ્રશ્નના ઉકેલ માટે આગામી બુધવારે ભાવનગર રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને ખેતીની જમીનનું ધોવાણ અટકાવવા અંગે ચર્ચા થવાની છે. હવે રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી લેખિત બાંહેધરીના અનુસંધાને ખેડૂતોના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે છે કે કેમ? તેના પર સૌની નજર રહેશે.

રિલેટેડ ન્યૂઝ