રાજકોટમાં ગોલ્ડ પેઢીના મેનેજરની હત્યા કરી 1.53 કરોડના દાગીનાની લૂંટમાં યુપીના 4 શખ્સો ઉદયપુરથી ઝડપાયા

છ મહિના પૂર્વે કામ કરી ગયેલા કર્મચારીની ટીપને આધારે 9 શખ્સોએ ગુનાને અંજામ આપ્યો હતો

ચોટીલાથી અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સુધી ટિમો દોડાવાઈ : મુદ્દામાલ રિકવર રાજકોટ પોલીસે સીસીટીવી આધારે માત્ર 12 કલાકમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો

રાજકોટની આજી જીઆઇડીસીમાં તન્વી ગોલ્ડ નામની ફેકટરીના મેનેજર ઉપર કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 946 ગ્રામ સોનુ અને 2 કિલો ચાંદી સહીત 1 કરોડ 53 લાખ 20 હજારની મતા લૂંટી નાસી જતા ચકચાર મચી ગઈ હતી શહેર પોલીસે ટોળકીને પકડવા પોલીસની જુદી જુદી ટિમો દોડાવાઈ હતી સીસીટીવી, ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે 12 કલાકથી ઓછા સમયમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે રાજસ્થાનના શિરોહી અને ઉદયપુર જિલ્લા પોલીસની મદદથી ચાર આરોપીઓને ઝડપી લઇ તમામ મુદામાલ કબ્જે કર્યો છે આ ગુનામાં છ મહિના પૂર્વે કામ કરી ગયેલા પૂર્વ કર્મચારીએ ટીપ આપી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આરોપીઓમાં લંકેશ અને અનુરાગ નામના શખ્સો સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે આ લૂંટમાં 9 જેટલા પરપ્રાંતીય હોવાની શંકાએ હાલ પોલીસે પકડાયેલા આરોપીઓને મુદામાલ સાથે રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના સહકાર મેઇન રોડ પર સાધના સોસાયટીમાં રહેતાં અને આજી જી.આઈ.ડી.સી. મેઇન રોડ તન્વિ એક્ષપોર્ટ ઇન્ડીયા લીમીટેડ નામની સોના ચાંદીની મેન્યુફેક્ચરીંગ નામની ભાગીદારી પેઢી ધરાવતા બીપીનભાઇ ગોરધનભાઇ વીરડીયા ઉ.52એ ચાર અજાણ્યા શખ્સો સામે થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ, આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ કાલ રાત્રીના પોતે કોટેચા ચોક પાસે હતા ત્યારે ભાગીદાર મયુરભાઇએ ફોન કરી કહ્યું કે કામ કરતા લાલજીભાઈ સરધારા ઉપર રીફાઇનરી પાસે ફાયરીગ થયુ છે અને દોઢેક કરોડના સોના ચાંદીના માલની લુંટ થયેલ છે અને લાલજીભાઈની મધુરમ હોસ્પીટલમાં સારવાર ચાલુ છે તેવી વાત કરતા અમે ત્યાં પહોંચ્યા હતા સિક્યુરિટી બાવનજીએ કહ્યું હતું કે હું લાલજીભાઈ સાથે રિફાઇનરી ગયો હતો અને ત્યાંથી 946 ગ્રામ સોનાના ઢાળીયા જેની કિંમત 1,48,90,000 તથા ચાંદીનો ડસ્ટ પાવડરની પ્લાસ્ટીકની કોથળી 2 કીલો જેની કિંમત 4.30 લાખ મળી કુલ રિફાઈન સોના-ચાંદીની કુલ 1,53,20,000નો સોના ચાંદીનો માલ થેલામાં ભરીને એક્ટિવા લઈને નીકળ્યા હતા ત્યારે બે અજાણ્યા માણસો લાલજીભાઇ સાથે ઝપાઝપી કરતા હોય પોતે બચાવવા જતા એક શખ્સે લાલજીભાઈ ઉપર ફાયરીંગ કરતા લાલજીભાઈ નીચે પડી જતા દાગીના ભરેલો થેલો લુટીને બન્ને મરૂન કલરની કારમા બેસી નાસી છૂટ્યા હતાં કારમા જોતા બીજા બે અજાણ્યા માણસો પણ બેઠા હતા જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવને પગલે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝાની સૂચના અન્વયે જુદી જુદી ટીમો દોડાવી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને 12 કલાકથી ઓછા સમયમાં ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ટ્રેક કરી, રાજસ્થાન ખાતેથી રાજસ્થાન પોલીસના સંકલન સાથે ઝડપી લીધા છે. રાજસ્થાનના શિરોહી જિલ્લાના પિંડવાડા પોલીસ સ્ટેશન અને ઉદયપુર જિલ્લાની પોલીસના સહયોગથી આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લઇ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ લૂંટમાં અગાઉ કામ કરી ચુકેલો કર્મચારી સૂત્રધાર હોવાનું માનવામાં આવી રહ્યું છે આ લૂંટમાં 9 જેટલા પરપ્રાંતીય આરોપીઓની સંડોવણી હોવાની શંકા સેવાઈ રહી છે.
લાલજીભાઈના મૃત્યુથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું
આજી જીઆઇડીસીમાં આવેલ તન્વી ગોલ્ડ પેઢીમાં વર્ષોથી મેનેજર તરીકે નોકરી કરતા લાલજીભાઈ સરધારા બિગ બજાર પાસે આવેલ એપી પાર્કમાં રહેતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી હોવાનું તેમજ પોતે બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરના હોવાનું જાણવા મળ્યું છે મોભીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારૂએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલજીભાઈ સરધારા 946 ગ્રામ સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે કારમાં આવેલા લૂંટારુઓએ દાગીના ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો. પરંતુ લાલજીભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુઓએ હથિયારમાંથી 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી છાતીના ભાગે ગોળી લાગવાથી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું હતું.
1994માં સોની બજારથી તન્વી ગોલ્ડ પેઢીનો પ્રારંભ : 12 ભાગીદાર
તન્વી ગોલ્ડની પેઢીની શરૂઆત 1994માં સોની બજારમાં માધવ કોમ્પ્લેકસથી કરી હતી. બાદમાં 2023માં આજી જીઆઇડીસીમાં પેઢી શરૂ કરી નજીકના અંતરમાં જ રિફાઇનરી પણ ચાલે છે આ પેઢીમાં 12 ભાગીદારો છે જેમાં બીપીનભાઇ વીરડીયા, તુષારભાઇ સાવલીયા, રાજભાઇ ભાલારા, મયુરભાઇ લીંબાસીયા, હરેશભાઇ સરધારા, હીતેષભાઈ સરધારા, દિનેશભાઇ મેવાડા, અંકુરભાઈ અજાણી, રવીભાઈ ભાલારા, રાજેશભાઇ તારપરા, વિનોદભાઇ પરસાણા અને સંદિપભાઇ હાપલીયાનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ