વ્યાજખોરો-ભુમાફીયા સામે લડાઇનો રાજય સરકારનો સંકલ્પ : ખેડુતોને વ્યાજખોરીની જાળમાં ફસાવવા કરતા સરકારની યોજનાનો લાભ લેવા અપીલ

કોરા કાગળ કે દસ્તાવેજ પર સહી કરતા પહેલા સો વખત વિચારો: હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રીએ શાપરમાં વિભાગીય પોલીસ અધિકારી કચેરીનું લોકાર્પણ કર્યુ : ભૂ-માફીયા પાસેથી મુકત કરાવેલી પ00 વિઘા જમીનના દસ્તાવેજો ખેડુતોને પરત અપાયા

નવરાત્રીના પાવન પર્વ ઉપર રાજયના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવી ગુરૂવારે રાજકોટ પધાર્યા હતા. જયાં ખેડુતોને વ્યાજખોરીની જાળમાં ફસાવવા કરતા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા કોરા કાગળ કે દસ્તાવેજ ઉપર સહી કરતા પુર્વે 100 વખત વિચાર કરવા અપીલ કરી હતી. તો વ્યાજખોરો અને ભુમાફીયાઓનો નાશ કરવો એ રાજય સરકાર સંકલ્પ છે તેમ જણાવી તાજેતરમાં ભુમાફીયા પાસેથી મુકત કરાવેલી કરોડો રૂપીયાની પ00 વિઘા જમીનના દસ્તાવેજો ખેડુતોને પરત આપ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટના શાપર ખાતે વિભાગીય પોલીસ અધિકારીશ્રીની કચેરીનું લોકાર્પણ તેમજ ભૂમાફિયાઓ પાસેથી મુક્ત કરાવાયેલી 500થી વધુ વિઘા જમીનના દસ્તાવેજો ખેડૂતોને પરત સોંપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રજાભિમુખ કામગીરી, ઝડપી ફરિયાદ નિવારણ, રેકોર્ડ મેનેજમેન્ટ, ડિજિટાઈઝેશન અને પારદર્શક વહીવટની નોંધ લઈને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લા પોલીસને આઇએસઓ 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે, વ્યાજખોરી કરતા દૂષણખોરો સામે ’આરપારની લડાઈ’ લડવાનો ગુજરાત સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજકોટ પોલીસે 35 ખેડૂતોની અંદાજે 100 કરોડથી વધુ રકમની જમીન પરત અપાવવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. દેશના ઇતિહાસમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતોને જમીનો પરત અપાવવાનો આ પ્રથમ કિસ્સો છે. સાથે જ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ ઉપસ્થિત ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, વ્યાજખોરોને હંમેશા પોલીસ અને કાયદાનો ભય રહેવો જોઈએ. ખેડૂત પોતાની આખી જિંદગી મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હોય છે. મુશ્કેલીના સમયે વ્યાજે લીધેલા નાણાં સામે વિશ્વાસઘાત કરીને વ્યાજખોરો અને ભૂમાફિયાઓ ખેડૂતોની જીવનભરની મૂડી સમાન જમીનો કબ્જે કરી લેતા હોય છે. ખેડૂતોએ વ્યાજખોરો પાસેથી ઊંચા વ્યાજે નાણાં લેવાને બદલે સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ અને વ્યાજખોરોના વિષચક્ર સામે સાવચેત રહેવું જોઈએ. દસ્તાવેજોમાં જો સહી કરતી વખતે સાવચેતી ન રાખવામાં આવે તો ભવિષ્યમાં ન્યાય અપાવવો ખૂબ મુશ્કેલ બને છે. આ પ્રસંગે તેમણે પોલીસમિત્રો અને તેમના પરિવારોના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.
શાપર, પડવલા, હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સૌજન્યથી નિર્માણ પામેલી વિભાગીય પોલીસ અધિકારીશ્રી, રાજકોટ ગ્રામ્ય ડિવિઝન કચેરી કાર્યરત થવાથી શાપર-વેરાવળ સહિતના મહત્વના ઔદ્યોગિક તેમજ ગ્રામીણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને સ્થાનિક નાગરિકોને જરૂર પડ્યે પોલીસની સેવાઓ વધુ ઝડપથી મળી રહેશે. આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઈશ્વરની આરાધના સાથે દીપ પ્રજ્વલ્લિત કરી નવનિર્મિત કચેરીનું લોકાર્પણ કર્યું હતું.
આ અવસરે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજકોટ પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીના સહયોગથી ભૂમાફિયાઓ તેમજ વ્યાજખોરો સામે ચલાવાયેલી કડક ઝુંબેશના ભાગરૂપે, દગાબાજી અને છેતરપિંડીથી પડાવી લેવાયેલી 35 જેટલા ખેડૂતોની અંદાજે રૂ.100 કરોડની 500થી વધુ વિઘા જમીનના 55 દસ્તાવેજો મૂળ માલિક ખેડૂતોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, કાર્યક્રમમાં સમગ્ર રાજકોટ જિલ્લા પોલીસ તંત્રને આઇએસઓ 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. તમામ પોલીસ સ્ટેશનો અને શાખાઓ માટે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું પ્રમાણપત્ર મેળવનારો રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ જિલ્લો બન્યો છે.
આ ઉપરાંત, લોકોમાં આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો દૂર કરી 700થી વધુ લોકોને કાઉન્સેલિંગ દ્વારા નવું જીવન પૂરું પાડનારી રાજકોટ ગ્રામ્ય પોલીસની વિશેષ પહેલ ‘પ્રેરણા- નવા જીવનની’ અહેવાલનું પણ આ તકે નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પૂર્વે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમની સ્વાગત વિધિ રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવી હતી તેમજ આભારવિધિ મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી ડિવિઝન સીમરન ભારદ્વાજે કરી હતી. આ તકે જમીન પરત પ્રાપ્ત કરનારા ખેડૂતોએ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગનો વિશેષ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં અગ્રણી દિનેશભાઈ બાંભણિયાએ રાજકોટ જિલ્લા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય સર્વે ભાનુબેન બાબરીયા, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડીયા, ઉદયભાઈ કાનગડ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, દુર્લભજીભાઈ દેથરીયા સહિતના પદાધિકારીઓ, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લપ્ત રાય, જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો સહભાગી થયા હતા.

319 પાકિસ્તાની શરણાર્થીને મળી ભારતીય નાગરીકતા
રાજકોટમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેના આજના કાર્યક્રમમાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે અહીં ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં વર્ષો સુધી યાતના અને પીડા વેઠીને, જીવ બચાવીને ગુજરાતમાં આશ્રય લેનાર પરિવારોને સુરક્ષાનું આશ્વાસન આપતા યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “મુસ્કુરાઈએ આજ સે આપ સબ ભારત કે નાગરિક હૈ..” આ તકે નાયબ મુખ્યમંત્રીએ ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરનાર 319 પરિવારો માટે આજે પાંચમા નોરતાનો દિવસ દિવાળીના ઉત્સવ સમાન ગણાવ્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, આપ સૌના ઘરમાં આજે દિવાળીના દીપ પ્રગટાવવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મક્કમ નિર્ણય અને સી.એ.એ.ના અમલીકરણથી થયું છે. નાયબ મુખ્યમંત્રીના હસ્તે આજે રાજકોટ જિલ્લાના 259, મોરબી જિલ્લાના 53, કચ્છના 06 તથા સુરેન્દ્રનગર જિલ્લાના 01 મળીને 319 વિસ્થાપિતોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

નવરાત્રી પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચોટીલામાં : ચામુંડા માતાને શીશ ઝુકાવ્યું
પોલીસ પરિવાર આયોજીત ગરબામાં નાયબ મુખ્યમંત્રી સહભાગી બન્યા

શક્તિ અને આરાધનાના પાવન પર્વ નવરાત્રી મહોત્સવના દિવ્ય માહોલ વચ્ચે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જગપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાની મુલાકાત લઈ જગતજનની મા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. તેમણે માતાજીની પૂજા-અર્ચના કરી વિધિવત્ ધ્વજારોહણ કર્યું હતું અને રાજ્યની સુખાકારી, સમૃદ્ધિ, શાંતિ તથા જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે તેઓ ચોટીલા ડુંગર ઉપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબામાં પણ સહભાગી બન્યા હતા.
ચોટીલા તળેટી ખાતે નાયબ મુખ્યમંત્રીનું આગમન થતાં જ પરંપરાગત ઝાલાવાડી છત્રીઓ, ઢોલ-શરણાઈના મંગલ સૂર અને રાસની રમઝટ વચ્ચે તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સંસ્કૃતિની ઝલક સમાન ઝાલાવાડી કોટી અને પાઘડી પહેરાવીને મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલો શૌર્યસભર ’તલવાર રાસ’ ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત જનમેદની અને માતાજીનાં દર્શને આવેલા ભાવિક ભક્તોનું અભિવાદન ઝીલ્યું હતું. તળેટી ખાતે ધ્વજાપૂજનની વિધિ પૂર્ણ કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી ચોટીલા ડુંગર ના 635 પગથિયાઓ ચડીને મા ચામુંડા માતાજીના મંદિર ખાતે પહોંચ્યા હતા. ત્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ચોટીલા ડુંગર ઉપર પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમમાં હર્ષ સંઘવી સહભાગી બન્યા હતા. નવરાત્રીના ભક્તિમય અને ઉત્સાહસભર માહોલમાં તેમણે કલાકારો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને તેમની કલાને બિરદાવી હતી. આ કાર્યક્રમથી નવરાત્રી પર્વની પરંપરા, સંસ્કૃતિ અને સામૂહિક ઉત્સાહની ભાવનાને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડીયા, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી.કે. પરમાર, કિરીટસિંહ રાણા અને ઉદયભાઈ કાનગડ,સુરેન્દ્રનગર મેયર રાકેશભાઈ રાઠોડ, પ્રદેશ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલીયા, રઘુભાઇ કુકડીયા, ડો. નિલેશભાઈ કલોત્રા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ