સાવરકુંડલામાં ઓનલાઇન ગેસ સિલિન્ડર ન મળતા શિક્ષકોની લાઇનમાં ઉભા રહેવા રજાની માંગણી

તાલુકા શિક્ષણ સંઘ, ધારાસભ્યને રજુઆત: એજન્સી ફોન ઉપાડતી નથી, ઓનલાઇન બુકીંગ રદ થઇ જવાથી જનતા પરેશાન

શહેરમાં ગેસ સિલિન્ડરની સમસ્યા જાણે બારેમાસનો સળગતો પ્રશ્ન બની ગઈ હોય તેમ સામાન્ય નાગરિકો બાદ હવે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ગેસ રિફિલ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની રજૂઆત સામે આવી છે. ગેસ સિલિન્ડરની સમયસર રિફિલ ન મળવાને કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.સાવરકુંડલા તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા જણાવ્યા અનુસાર, તેઓ દરરોજ સવારે 10:30થી સાંજે 5:15 વાગ્યા સુધી શાળામાં હાજર રહી શૈક્ષણિક અને વહીવટી કામગીરી બજાવે છે. આગામી દિવસોમાં પરીક્ષાઓ પણ શરૂ થવાની હોવાથી શિક્ષકો માટે શાળાની ફરજ દરમિયાન ગેસ એજન્સીની ઓફિસે જઈને લાંબી લાઈનમાં ઊભા રહેવું મુશ્કેલ બની રહ્યું છે.શિક્ષકોની રજૂઆત મુજબ, તેમના ગેસ કનેક્શન સાવરકુંડલાની એરો ગેસ એજન્સી સાથે જોડાયેલાં છે. છેલ્લા એક મહિનાથી ગેસ સિલિન્ડર મેળવવા માટે ફોન દ્વારા બુકિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ ફોન ઉપાડવામાં આવતા નથી. ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદ પણ બુકિંગ રદ થઈ જતું હોવાની ફરિયાદ છે. ઓનલાઇન નાણાં ચૂકવ્યા હોવા છતાં કેટલાક શિક્ષકોને અત્યાર સુધી ગેસ સિલિન્ડરની રિફિલ મળી ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.હાલ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ઘરમાં રસોઈ માટે ગેસ સિલિન્ડરની અત્યંત જરૂરિયાત રહે છે. બીજી તરફ, ગેસ એજન્સીની ઓફિસે લાંબી લાઈનો લાગતી હોવાથી શિક્ષકો માટે પોતાની ફરજના સમયગાળા દરમિયાન ત્યાં પહોંચવું શક્ય બનતું નથી.
આ સમસ્યાના ઉકેલ માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ, સાવરકુંડલાના પ્રમુખ દ્વારા સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને બે-ત્રણ દિવસમાં ગેસ સિલિન્ડર મળી રહે તેવી વ્યવસ્થા કરાવવા અથવા ગેસ સિલિન્ડર ન મળે ત્યાં સુધી એજન્સીની ઓફિસે જઈ લાઈનમાં ઊભા રહી શકે તે માટે ઓન-ડ્યુટી લીવ મંજૂર કરવાનો હુકમ કરાવવા માંગ કરવામાં આવી છે.શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, શાળાની ફરજ અને પરીક્ષાઓની તૈયારીને અસર કર્યા વિના ગેસ સિલિન્ડર મેળવવા માટે યોગ્ય વ્યવસ્થા થવી જરૂરી છે. જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ સંબંધિત કચેરીએ રામધૂન બોલાવવાની ફરજ પડશે તેવી ચીમકી પણ રજૂઆતમાં આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરનો આ સળગતો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? ગ્રાહકોને સમયસર રિફિલ મળશે કે પછી રજૂઆતો અને ફરિયાદોનો સિલસિલો ચાલુ રહેશે? હવે સંબંધિત તંત્ર અને ગેસ એજન્સી દ્વારા આ સમસ્યાના ઉકેલ માટે કેવાં પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

રિલેટેડ ન્યૂઝ