ભારતીય વર્કર્સ-સ્ટુડન્ટસની વધી શકે છે મુશ્કેલી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની સરકાર ‘પ્રીમીયમ પ્રોસેસીંગ’ની ટાઈમલાઈનમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. સરકારના આ પગલાની સીધી અસર વિદેશી વર્કર્સ, વિદેશી સ્ટુડન્ટસ અને એ કંપનીઓ પર પડશે, જે ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી પોતાના કેસનો નિકાલ લાવવા માટે એકસ્ટ્રા ફી આપે છે. જો નવો નિયમ લાગુ થયો તો પછી એકસ્ટ્રા ફી આપીને પણ ના તો જલદી એચ-વન-બી વિઝા મળશે અને ના તો ગ્રીનકાર્ડ કે વર્ક પરમીટ મળશે.
ખરેખર તો અમેરિકામાં એક પ્રસ્તાવિત નિયમ હાલ ઓફીસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (ઓએમબી) પાસે રિવ્યુ માટે મોકલવામાં આવ્યો છે. આ પ્રસ્તાવથી હાલની ‘પ્રીમીયમ પ્રોસેસીંગ’ના સમયમાં વધારો થઈ શકે છે, જો કે, ખાસ જોગવાઈઓને હજુ જાહેર નથી કરાઈ. પ્રસ્તાવિત ફેરફાર હજુ લાગુ નથી થયો. કોઈપણ ફેરફારને લાગુ કરતા પહેલા આ નિયમને ફેડરલ રિવ્યુમાંથી પસાર થવું પડશે અને પછી તેના પર કોમેન્ટ માટે તેને ‘ફેડરલ રજીસ્ટર’માં પબ્લીશ કરવામાં આવશે. ત્યારબાદ સરકાર આ ફેરફારને લાગુ કરતા પહેલા નિયમને ફાઈનલ રૂપ આપશે.
ઉલ્લેખનીય છે કે અલગ-અલગ ઈમીગ્રેશન કેટેગરીના આધારે પ્રીમીયમ પ્રોસેસીંગ ફી 1780 ડોલરથી 2965 ડોલર સુધી હોઈ શકે છે.જો નવો નિયમ અમલમાં આવે તો ભારતીય સ્ટુડન્ટસ, વર્કર્સ પર અસર પડી શકે છે. તેમના માટે મુશ્કેલી વધી શકે છે.
