રઘવાયા થયેલા પૂર્વ પતિએ પત્નીને ધમકી આપતા ફરિયાદ

રૈયા ગામમાં રહેતી યુવતીને પૂર્વ પતિએ પત્ની તરીકે ફરીથી અપનાવવા વારંવાર મેસેજ કરી યુવતીના ઘરે જઈ અપહરણ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. જેથી કંટાળી જઇ અંતે યુવતીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે રૈયાગામ શેરી નંબર 11 માં રહેતી રેખાબેન ઉર્ફે કાજલબેન બાબુભાઈ પરમારે ફરિયાદમાં આરોપી તરીકે પૂર્વ પતિ જગદીશ લક્ષ્મણ મકવાણા(રહે રીબડા,ગોંડલ) નું નામ આપી જણાવ્યું હતું કે, તે હાલ માવતરના ઘરે રહે છે.ગઇ તા.30/03/2021 ના રોજ જગદીશ મકવાણા સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્રણ મહિના બાદ ગઇ તા.18/03/2021 ના રોજ નોટરી કરાર કરી છુટાછેડા લીધા હતા.
બાદમાં ગઈ તા.10/02 ના રાત્રે નવ વાગ્યા આસપાસ તેના પિતા બાબુભાઈ પરમારને પ્લમ્બરના કામ માટે ફોન આવ્યો હતો અને રૈયા સ્મશાન પાસે બોલાવ્યા હતા.ત્યારે પિતાએ કામ માટે ના પાડી દીધી હતી. થોડીવાર બાદ યુવતીનો પૂર્વ પતિ જગદીશ અને તેની સાથે પટેલ અને તેનો મિત્ર શિવરાજભાઇ ઘરે આવી પહોંચ્યા હતા. પૂર્વ પતિ જગદીશએ યુવતીને કહ્યું કે,”તું મારા ઘરે આવી જા, જો તું નહીં આવે તો જાનથી મારી નાખીશ”તેવી ધમકી આપી હતી.તે સમયે યુવતીના મામા મૂળજીભાઈ ભુરાભાઈ સિધવને બોલાવતા તેમણે જગદીશને સમજાવતા તે અને તેના મિત્રો ત્યાંથી જતા રહ્યાં હતાં.પૂર્વ પતિ અગાઉ પણ યુવતીને પત્ની તરીકે ફરીથી અપનાવવા વારંવાર મેસેજ પણ કરતો હતો. પૂર્વ પતિ અપહરણ કરીને લઈ જશે તેની બીકે યુવતીએ પૂર્વ પતિ જગદીશ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રિલેટેડ ન્યૂઝ