મેયર પદના મુખ્ય દાવેદાર તરીકે સાગર મોદી કેન્દ્રસ્થાને: ડેપ્યુટી મેયરમાં ખારવા સમાજની મહિલાને પ્રતિનિધિત્વ મળે તેવી શક્યતા: તમામ 52 સીટ ઉપર ખીલેલા કમળમાં મોટાભાગના નવા ઉમેદવારો હોવાથી પદ માટે કોઈ ખેંચતાણ નહીં હોવાનું બહાર આવ્યું
પોરબંદર મહાનગરપાલિકા ની તમામ 52 સીટ ભાજપે જીતી લીધા બાદ હવે પદાધિકારીઓ ના નામની ચર્ચા ચાલી રહી છે જેમાં તમામ વિજેતા ઉમેદવારો નવા હોવાથી કોઈ ખેંચતાણ નહીં હોવાનું જાણવા મળ્યું છે
પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 52 માંથી 52 બેઠક સાથે ઐતિહાસિક જનાદેશ મળ્યા બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને વિવિધ સમિતિઓના ચેરમેન પદ માટે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને પ્રદેશ કક્ષાએથી આ અંગે વિચારણા ચાલી રહી છે.
મેયર પદ માટે સાગર મનુભાઈ મોદી કેન્દ્રસ્થાને
પોરબંદર મહાનગરપાલિકામાં મેયર પદ જનરલ/ઓપન કેટેગરી માટે અનામત હોવાથી વોર્ડ નં. 9 ના નગરસેવક સાગર મનુભાઈ મોદી નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.સાગર મોદીની મજબૂત દાવેદારીના કારણોમાં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સંગઠનને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.છેલ્લા એક દાયકાથી ભાજપના સક્રિય રાજકારણમાં વિવિધ હોદ્દા પર રહી પક્ષને જીત અપાવવા ભરપૂર પ્રયત્નો કર્યા છે.તેમના પિતા મનુભાઈ મોદી વૈષ્ણવ સમાજના અગ્રણી છે અને સતત સેવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સાગરભાઈ પોતે પણ સામાજિક કાર્યોમાં સક્રિય છે.
‘નેક્સ્ટજન પોરબંદર’ ના સંકલ્પને સાકાર કરવા યુવા, શિક્ષિત અને સંગઠનની નસ-નસથી માહિતગાર નેતૃત્વની જરૂર છે, જે સાગર મોદી પૂરી પાડી શકે તેમ છે.રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, પક્ષ દ્વારા અનુભવી સંગઠક અને જનતામાં સ્વીકૃત ચહેરા તરીકે સાગર મોદી ને મેયર બનાવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
ડેપ્યુટી મેયર – ખારવા સમાજની
મહિલાને પ્રતિનિધિત્વ મળે તેવા એંધાણ
ડેપ્યુટી મેયર પદ માટે મહિલા અનામત હોવાથી ખારવા સમાજમાંથી કોઈ મહિલા નગરસેવિકાને તક મળે તેવું રાજકીય સમીકરણ જોવા મળી રહ્યું છે. પોરબંદર શહેરમાં ખારવા સમાજનું મોટું યોગદાન અને વસ્તી ધ્યાને લઈ પક્ષ દ્વારા આ સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી શક્યતા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન – અનુભવ દત યુવા જોશ
મહાનગરપાલિકાની સૌથી મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે બે નામ કેન્દ્રસ્થાને છે: વિક્રમભાઈ ઓડેદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તરીકેનો બહોળો વહીવટી અને સંગઠનાત્મક અનુભવ ધરાવે છે. પક્ષના વરિષ્ઠ અને વિશ્વાસુ નેતા તરીકે તેમની પસંદગી થઈ શકે છે.ધર્મેશ પરમાર ‘ગ્રીન પોરબંદર’ અભિયાનના પ્રણેતા અને પર્યાવરણ ક્ષેત્રે સક્રિય. યુવા ચહેરા તરીકે અને વિકાસના નવા વિઝન સાથે તેમનું નામ પણ ચર્ચામાં છે.
અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએથી
52/52 નો જનાદેશ મળ્યા બાદ પક્ષ માટે હવે જવાબદારીનો સમય છે. ‘વિકાસ ના સંકલ્પને સાકાર કરવા અનુભવ, યુવા જોશ અને સામાજિક સમીકરણો નું સંતુલન જાળવીને પ્રદેશ નેતૃત્વ દ્વારા આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સમિતિઓના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
અંતિમ નિર્ણય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા લેવામાં આવશે.
