તમામ ગ્રાહકોએ નવેસરથી કેવાયસી કરાવવું પડશે: ભુતીયા કનેકશન દુર કરાશે: પીએનજી સપ્લાય હોય ત્યાં એલપીજી કનેકશન બંધ કરી દેવાશે
સીલીન્ડરની ડીલીવરી સમયે ઓટીપી ફરજીયાત બનશે: રજીસ્ટર મોબાઈલ નંબરથી જ બુકીંગ કરાવી શકાશે
ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલિયમ પેદાશોમાં સર્જાયેલા પુરવઠાની તંગ સ્થિતિમાં હજુ સુધી તો સરકારે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી તથા પીએનજી અને સીએનજી સહિતના ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની સપ્લાય ઝડવાઈ રહે તે નિશ્ર્ચિત કર્યુ છે તે વચ્ચે હવે ફરી એક વખત તા.1 મે થી રાંધણગેસના ભાવમાં ફેરફાર થશે કે કેમ તેના પર નજર છે.
સરકારે કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવ તો દર મહિને આંતરરાષ્ટ્રીય ભાવની સ્થિતિ મુજબ નિશ્ર્ચિત કરે છે પણ ઈરાન કટોકટી શરુ થતા ઘરેલુ વપરાશના ગેસના ભાવમાં પણ પ્રતિ સીલીન્ડર રૂા.60નો વધારો કર્યો હતો. હવે સરકાર એલપીજીના કનેકશનોને બુકીંગ અંગેના નિયમો ફેરવી રહી છે
જયાં પીએનજી ઉપલબ્ધ હોય ત્યાં એલપીજી કનેકશન નહી આપવા કંપનીઓને સૂચના છે તો હવે એલપીજી બુકીંગમાં 25 દિવસનો લઘુતમ પીરિયડ ફરજીયાત બનશે અને ગ્રામ્ય વિસ્તારમાં તે 45 દિવસનો હોઈ શકે છે. સાથોસાથ સીલીન્ડર ડીલીવરીમાં ઓટીપી વ્યવસ્થા એટલે કે વન ટાઈપ પાસવર્ડ વ્યવસ્થા કાયમી બની ગઈ છે. એટલું જ નહી એલપીજી કનેકશનના ગ્રાહકોએ હવે નવેસરથી કેવાયસી કરાવવું પડશે જેના કારણે ભુતીયા કનેકશન રદ થઈ શકે. ચર્ચા એ પણ છે કે ભાવવધારો પણ કરી શકે છે. હાલ રાંધણગેસના ભાવમાં વધારો જરૂરી છે પણ ચુંટણીના કારણે સરકારે તે અટકાવી રાખ્યો છે. તા.4 મે ના પરિણામ આવી ગયા બાદ આ અંગે નિર્ણય લેવાય તેવી શકયતા છે.
