સોસાયટીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા: રસ્તા સમથળ થયા નહી હોવાથી છવાયુ કાદવકીચડનું સામ્રાજ્ય
પોરબંદરના ખાપટ વિસ્તારમાં માત્ર એક ઇંચ વરસાદમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે તેથી પ્રિમોન્સુન કામગીરી કાગળ પર થયાનું સાબિત થઇ રહ્યુ છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગયાના દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસાના પ્રથમ એક ઇંચ વરસાદમાં જ આ દાવાઓની પોલ ખુલી ગઈ છે. શહેરના ખાપટ વિસ્તારમાં વરસાદના એક ઝાપટાથી જ ચારે તરફ પાણી ભરાઈ જતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.ખાપટ વિસ્તારના મુખ્ય રસ્તાઓ, શેરીઓ અને નીચાણવાળા ભાગોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશોએ મેઈલ દ્વારા તંત્રને ફરિયાદ નોંધાવી છે. લોકોએ આક્રોશ સાથે જણાવ્યું કે, કમિશ્ર્નર અને મેયર ફોટા પડાવીને કહેતા હતા કે પ્રિમોન્સૂનની કામગીરી થઈ ગઈ છે. હવે એકવાર ગાડી લઈને ખાપટમાં ચક્કર મારી જુઓ, તમારી ગાડી પાછી ફરી ન નીકળે એની અમે ગેરંટી આપીએ છીએ.
ભ્રષ્ટાચારનો આક્ષેપ
પ્રાથમિક વિગતો મુજબ, પ્રિમોન્સૂન કામગીરીના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ગટરો સાફ કરાઈ નથી, વરસાદી કાંસની સફાઈ માત્ર કાગળ પર થઈ છે. હજુ તો ચોમાસું બરાબર બેઠું પણ નથી ત્યાં આ હાલત છે, તો ભારે વરસાદમાં શું પરિસ્થિતિ થશે તેની ચિંતાથી લોકો ફફડી રહ્યા છે.
તંત્રના દાવા અને હકીકત
મનપા દ્વારા જૂન મહિનાની શરૂઆતમાં જ પ્રેસને માહિતી આપીને મનપાના અધિકારીઓએ શહેરની તમામ ગટર લાઈન, વરસાદી કાંપ સાફ કરી દેવાયા હોવાનો અને તમામ પમ્પિંગ સ્ટેશન કાર્યરત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હકીકતમાં ખાપટ વિસ્તારના વીડિયોમાં ગટરો કચરાથી ચોકઅપ છે, રસ્તા પર પાણી ઓસરતા નથી અને પમ્પિંગની કોઈ વ્યવસ્થા દેખાતી નથી. સ્થાનિકો જાતે પાણી ઉલેચવા મજબૂર બન્યા છે.
સ્થાનિક રહીશ શું કહે છે?
ખાપટના વેપારી કહે છે, દર વર્ષે આવું જ થાય છે. બજેટ ફાળવાય, ફોટા પડે, પણ કામ થતું નથી. મારી દુકાનમાં પાણી ઘૂસી ગયું. નુકસાનનું કોણ? બાળકોને શાળાએ જવામાં તકલીફ, વૃદ્ધો ઘરમાં પુરાઈ ગયા છે. આને વિકાસ કહેવાય?
આરોગ્યનું જોખમ
પાણી ભરાઈ રહેવાથી ખાપટ વિસ્તારમાં રોગચાળાનો ભય ઉભો થયો છે. ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયાનો ખતરો છે. સ્થાનિકોએ આરોગ્ય વિભાગને તાત્કાલિક દવાનો છંટકાવ કરવા માંગ કરી છે.
તંત્ર મૌન
આ સમગ્ર મામલે મનપા કમિશ્ર્નર કે મેયર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
