અભિનેત્રી હુમા કુરેશી આજકાલ પોતાની પર્સનલ લાઈફ અને ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બેબી દો ડાઇ દો’માં તેણે એક બહેરા-મૂંગા શાર્પશૂટર ‘બેબી કરમરકર’નો પડકારજનક રોલ ભજવ્યો હતો. ભલે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પણ હુમાની એક્ટિંગના ચો તરફ વખાણ થયા હતા. સાઉથના કન્નડ સુપરસ્ટાર યશની આગામી ફિલ્મ ‘ટોક્સિક’ની ડિરેક્ટર ગીતુ મોહનદાસે પણ હુમાના પરફોર્મન્સની મુક્ત મને પ્રશંસા કરી હતી.
હવે પોતાના બર્થડેના ખાસ અવસરે હુમાએ ચાહકોને એક મોટું સરપ્રાઇઝ આપ્યું છે. તેણે પોતાની સૌથી ચર્ચિત અને સુપરહિત પોલિટિકલ ડ્રામા વેબ સિરીઝ ‘મહારાણી’ની પાંચમી સીઝનની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
રાની ભારતીના પાવરફુલ રોલમાં પુનરાગમન
હાલમાં જ હુમાએ સોશિયલ મીડિયા પર સેટ પરથી એક તસવીર શેર કરીને માહિતી આપી હતી કે ‘મહારાણી સીઝન 5’નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. અગાઉની ચારેય સીઝનને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. આ નવી સીઝનમાં પણ હુમા કુરેશી પોતાના પ્રખ્યાત પાત્ર ‘રાની ભારતી’ તરીકે જોવા મળશે. રાજકારણના દાવપેચ, સંઘર્ષ અને હિંમતથી ભરેલું આ પાત્ર દર્શકોનું હંમેશાંથી પ્રિય રહ્યું છે.
ઓટીટી પર ક્યારે અને ક્યાં જોવા મળશે?
કાંગડા ટોકીઝના બેનર હેઠળ બની રહેલી ‘મહારાણી 5’નું નિર્માણ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સિરીઝ ટૂંક સમયમાં જ ઓટીટી પ્લેટફોર્મ SonyLIV પર સ્ટ્રીમ કરવામાં આવશે.
આ ઉપરાંત હુમા કુરેશી ટૂંક સમયમાં ગીતુ મોહનદાસની મોટા બજેટની ફિલ્મ ‘ટોક્સિક’માં પણ જોવા મળશે, જેમાં તેની સાથે સુપરસ્ટાર યશ, કિયારા અડવાણી, તારા સુતારિયા અને નયનતારા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
