ચાલુ અભ્યાસ દરમિયાન ઉપર ક્ધસ્ટ્રક્શન કામ, કારીગરો દ્વારા ધડાધડ મોટા પથ્થરો નીચે ફેંકાતા હોવાના આક્ષેપ
નવાબંદર ગામમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલ નારાયણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ગંભીર બેદરકારી સામે આવી હોવાના આક્ષેપો ઉઠ્યાછે.શાળા માં નિયમિત રીતે વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુહોવા છતાં શાળાના ઉપરના ભાગે કારીગરો દ્વારા બાંધકામનું કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઉપરથીમોટા કદના પથ્થરો સહિતની બાંધકામ સામગ્રી નીચે ફેંકવામાં આવતી હોવાના ગ્રામપંચાયત ના ઉપસરપંચ અને તાલુકા પંચાયત ના સભ્ય હરકિસન ભાઈ સોલંકી એ આક્ષેપો કર્યા છે.
શાળાના પરિસરમાં જ નીચે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેમજ શાળામાં આવતા-જતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય રાહદારીઓની અવરજવર રહેતી હોવા છતાં આ પ્રકારનું જોખમી કામ ચાલી રહ્યુંહોવાના કારણે કોઈ મોટી દુર્ઘટનાની ભીતિ વ્યક્ત કરવામાંઆવી રહી છે. ઉપરથી છૂટા પથ્થરો કે અન્ય ભારેસામગ્રીનીચે પડે અને કોઈ વિદ્યાર્થી કે રાહદારીના માથા પર પડે તો ગંભીર ઈજા થવાની સાથે જીવલેણ અકસ્માત પણ સર્જાઈ શકે છે.
સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે, શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે જોખમી બાંધકામનું કામ કરાવવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? વિદ્યાર્થી ઓની સુરક્ષા માટે જરૂરી બેરિકેડિંગ, સુરક્ષા જાળી કે અન્ય સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઉપર કામ કરતા કારીગરો દ્વારા મોટા પથ્થરો નીચે ફેંકવામાં આવે છે. જો આ દરમિયાન નીચે કોઈ વિદ્યાર્થી, શિક્ષક, વાલી કે રાહદારી પસાર થઈ રહ્યો હોય અને પથ્થર તેના પર પડે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. આમ છતાં શાળા સંચાલક દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવાને બદલે ચાલુ અભ્યાસ દરમિયાન જ જોખમી કામગીરી કરાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બાળકોને ભણવા માટે શાળામાં મોકલતા વાલીઓમાં પણ આ ઘટનાને લઈને ચિંતા જોવા મળી રહી છે.વાલી ઓનો સીધો સવાલ છે કે, બાળકોની સુરક્ષા માટે શાળા સંચાલન દ્વારા પૂરતી તકેદારી કેમ રાખવામાં આવતી નથી? જો બાંધકામનું કામ જરૂરી હોય તો વિદ્યાર્થીઓ ની રજા દરમિયાન અથવા વિદ્યાર્થીઓની અવરજવર બંધ હોય તેવા સમયગાળામાં કામ કરાવવું જોઈએ, પરંતુ ચાલુ શાળા સમય દરમિયાન ઉપરથી પથ્થરો નીચે ફેંકવાની કામગીરી ગંભીર બેદરકારી સમાનહોવાનુંલોકો જણાવી રહ્યા છે.
સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, સંબંધિત શિક્ષણ વિભાગ અનેજવાબદારઅધિકારીઓ દ્વારા નારાયણ પ્રાથમિક શાળામાં ચાલી રહેલા બાંધકામની કામગીરીની તાત્કાલિક તપાસ કરવામાં આવે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન થાય તે માટે બાંધકામ દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને નિયમોનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.હવે સવાલ એ છે કે વિદ્યાર્થીઓ કે રાહદારીઓને ઈજા થાય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યાર બાદ જ તંત્ર જાગશે કે અગાઉથી જ કાર્યવાહી કરીને સંભવિત અકસ્માતને અટકાવશે?
