આજે મતદાન થશે : 30 જુલાઈના રોજ મત ગણતરી
જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નં. 3 ની એક બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી, કોંગ્રેસના ઉમેદવાર અશરફ થઈમ અને આપના મહેમૂદ પંજા એ પોતાની ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આ પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો ખરાખરીનો ચુંટણી જંગ જામ્યો છે, આ સાથે ત્રણેય ઉમેદવારોને વોર્ડના મતદારો સાથે નજીકના સબંધો અને વોર્ડમાં ભારે પ્રભુત્વ હોવાથી હવે મતદારો પણ મૂંઝાયા છે, અને કોને મત આપવો તેવા અસમંજસમાં મુકાયા છે, બીજી બાજુ રવિવારે સાંજથી પ્રચાર પડઘમ બંધ થયા છે, અને ડોર ટુ ડોર પ્રચાર થઈ રહ્યો છે. તે સાથે મંગળવારે યોજાનારી ચૂંટણીને લઈને તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે, અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
ભાજપના વોર્ડ નં. 3 ના કોર્પોરેટર અબ્બાસ કુરેશી પૂર્વ મંજૂરી વગર સતત ત્રણ સામાન્ય સભાઓમાં ગેરહાજર રહેતા, ગત તા. 20 માર્ચના રોજ તત્કાલીન મનપા કમિશનરે નિયમોનુસાર અબ્બાસ કુરેશીને કોર્પોરેટરના હોદા પરથી ગેરલાયક કરી, આ બેઠક સત્તાવાર રીતે ખાલી જાહેર કરી હતી. બાદમાં ચૂંટણી પંચ દ્વારા વોર્ડ નં. 3 ની એક સીટ માટે પેટાચૂંટણી તા. 28 જુલાઈના રોજ યોજવા અને 30 જુલાઈના રોજ મત ગણતરી હાથ ધરવા જાહેર કર્યું હતું.
દરમિયાન ચૂંટણી અધિકારી સમક્ષ વોર્ડ નં. 3ની પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અશરફ થઈમ તથા ભાજપના ઉમેદવાર અકરમ કુરેશી અને આપના ઉમેદવાર મહેમૂદ પંજા એ પોતાના નામાંકન પત્ર ભર્યા હતા. જેને લઈને આ પેટા ચૂંટણી જંગમાં ત્રિપાંખિયો મુકાબલો ભારે રસાકસી ભર્યો થયો છે. કારણ કે, વોર્ડ નં. 3માં 12,000 મુસ્લિમ મતદારો છે, અને અન્ય જ્ઞાતીના માત્ર 2000 મતદારો છે. આ સિવાય આ વોર્ડમાં 2014 થી મતદાન થયું જ નથી, અને બીજેપીના કોર્પોરેટર બિનહરીફ ચૂંટાતા હતા. જો કે, આ પહેલા આ સીટ વરસો સુધી કોંગ્રેસ જ જીતતી હતી. પણ હવે કોંગ્રેસે અશરફ થઈમને અને આપ એ પંજા ગ્રુપના મહેમૂદ પંજાને પોતાના ઉમેદવારો તરીકે ચૂંટણીમાં ઉતાર્યા છે, ત્યારે ચૂંટણી રસાકસી ભરી બની ગઈ છે.
ચૂંટણી તંત્ર સજ્જ :
ચુસ્ત બંદોબસ્ત
મનપા વોર્ડ નં.3 માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે. ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા 18 બુથ પર થનારા મતદાન માટે ત્રણ નોડલ અધિકારી અને 100 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. બુથ આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. તથા વોર્ડ સહિત મતદાન મથક આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
