બગદાણા ધામ ખાતે કાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે

આગામી તા.29 જુલાઈને બુધવારના રોજ બગદાણા ધામ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ બડે ધામધૂમ પૂર્વક તેમજ ભક્તિભાવ ભર્યા માહોલમાં ઊજવવામાં આવશે.
પૂ. બજરંગદાસબાપાના બગદાણા ખાતે આવેલા ગુરૂઆશ્રમ ખાતે આગામી અષાઢી પૂનમ ગુરુપૂર્ણિમાના રોજ વહેલી સવારે મંગલા આરતીથી ધાર્મિક અને પરંપરાગત કાર્યક્રમો શરૂ થશે. ધ્વજા પૂજન અને ધ્વજારોહણ બાદ મહા રાજભોગ આરતી તેમજ મહિમાપૂર્ણ ગુરૂપૂજન યોજાશે.
ભારે ભક્તિ અને આસ્થા સાથે પ્રતિવર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષના ગુરુપૂર્ણિમા મહોત્સવની ગુરૂઆશ્રમ ખાતેથી મળેલી વિગતો પ્રમાણે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.
તૈયારીઓ સાથે આ અવસરે 464 ગામોના સંયમ સેવક મંડળોના આશરે 12300 સ્વયંસેવક ભાઈઓ તેમજ 880 ગામોના સ્વયંસેવક મંડળોના 25105 બહેનો ખડે પગે સેવા બજાવશે. ચા પાણી,દર્શન, પાર્કિંગ,સુરક્ષા અને ભોજનશાળા ઉપરાંત પરિસરની સાફ સફાઈ વગેરે જેવા વિભાગોમાં આ સ્વયંસેવકોની સેવાનો લાભ મળશે.
તારીખ 24 નું શુક્રવારે સાંજના બગદાણા ખાતે એસડીએમશ્રી મહુવાના અધ્યક્ષ સ્થાને સરકારી વિભાગોના અધિકારીઓની એક આગોતરી બેઠક મળી હતી.
જેમાં મહોત્સવની ઉજવણી વ્યવસ્થા જાળવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મામલતદાર માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, પીજીવીસીએલ, કાર્યપાલક ઇજનેર, બ્લોક હેલ્થ ઓફિસર મહુવા, મેડિકલ ઓફિસર સીએસસી બગદાણા, પીએસઆઇ બગદાણા – દાઠા, એસટી ડેપો મેનેજર મહુવા,તળાજા, પાલીતાણા તેમજ તલાટી કમ મંત્રી તથા સરપંચશ્રી બગદાણા, ગુરુઆશ્રમના ટ્રસ્ટીશ્રી, મેનેજર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ભોજન પ્રસાદ માટે ભાઈઓ માટે ગોપાલ ગ્રામની ભોજનશાળામાં જ્યારે નવા રસોડે બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા અલગ અલગ રાખવામાં આવી છે.
મોટા પ્રમાણમાં આવતા યાત્રાળુઓ માટે અહીં બંને દિશામાં અલગ અલગ ચાર પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં ઠાડચ ઠળીયા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી તથા હાઈસ્કૂલની વાડી ખાતે તેમજ મહુવા જેસર તરફથી આવતા વાહનો માટે વિદ્યાગ્રામ (પોલીસ સ્ટેશનની બાજુમાં) તથા હનમંતવાડી ખાતે પાર્કિંગ વ્યવસ્થા રહેશે.
આશરે 1.5 લાખ ભાવિક ભક્તજનો આ મહોત્સવ નો ભાગ બનશે. દરમિયાનમાં ગુરુ આશ્રમ ખાતેના ગાદી મંદિર, નુતન મંદિર સહિતના મંદિરો તેમજ સમગ્ર પરિસરને રાત્રિના રોશનીથી ઝળાહળા કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ