ભૂલકાઓ પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળા-આંગણવાડીમાં સગવડતાઓ સુનિશ્ચિત કરવા સૂચન
તાજેતરમાં રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના પગલે રાજ્યના અનેક માર્ગ પાણીથી ક્ષતિગ્રસ્ત થયા છે. આ માર્ગો તરત જ મોટરેબલ બને તે માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત રીપેરીંગ અને સમારકામ હાથ ધરી તમામ રસ્તાઓ નાગરિકો માટે ખુલ્લા રહે અને વાહનવ્યવહારની કોઈ સમસ્યા ન સર્જાય તે પ્રત્યે લક્ષ આપી અને કાર્ય કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના તમામ કલેક્ટરના સંપર્કમાં રહી વરસાદ બાદ તૂટેલા માર્ગોના લીધે નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી પડે નહીં અને ઝડપથી સ્થિતિ પૂર્વવત થાય તે માટે કાર્યરત છે. આ કડીમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ બાદ ક્ષતિગ્રસ્ત બનેલા માર્ગ કે પૂલો ઝડપથી રિપેર થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે ગીર સોમનાથ જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વર્ચ્યૂઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી એ ઉચ્ચ અધિકારીઓ પાસેથી જિલ્લાના વિવિધ રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ અંગે વિગતવાર ચિતાર મેળવ્યો હતો.
મંત્રી એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ને લક્ષ્યમાં રાખી અને જર્જરિત શૈક્ષણિક ઈમારતોના દુરસ્તીકરણ પર ભાર મૂક્યો હતો અને બાળકો પ્રત્યે સવિશેષ કાળજી રાખી શાળામાં વિદ્યાર્થીઓની સગવડતાઓ અને ખૂટતી સુવિધાઓની આપૂર્તિ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે પાવર પોઈન્ટ પ્રેઝ્ન્ટેશન ના માધ્યમથી મંત્રી સમક્ષ રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ભાવનગર-રાજકોટ, નેશનલ હાઈવે (રાજ્ય), માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), ગુજરાત મેરીટાઇમ બોર્ડ, મત્સ્યોદ્યોગ અને નગરપાલિકા હસ્તક ના પુલોની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તેમજ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય અને પંચાયત), રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
