ત્વચાને હેલ્ધી અને ગ્લોઇંગ રાખવા માટે આજકાલ લોકો નાઇટ સ્કિનકેર રૂટિન (Night Skincare Routine) ચોક્કસ ફોલો કરતા હોય છે. પરંતુ ઘણી વખત યોગ્ય જાણકારીના અભાવે રાત્રે સ્કિનકેર કરતી વખતે નાની-મોટી ભૂલો થઈ જતી હોય છે. આ ભૂલોના કારણે ફાયદો થવાને બદલે ત્વચાને નુકસાન પહોંચે છે. જો તમે પણ રાત્રે ત્વચાની સંભાળ લેતા હોવ, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:
- રાત્રે નવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો
કોઈપણ નવું સ્કિનકેર પ્રોડક્ટ હંમેશા દિવસના સમયે જ ટ્રાય (Patch Test) કરવું જોઈએ. જો રાત્રે નવું પ્રોડક્ટ લગાવ્યા પછી એલર્જી કે રિએક્શન આવે તો ઊંઘમાં ખબર નથી પડતી. ખાસ કરીને સેન્સિટિવ સ્કિનવાળા લોકોએ અને રેટિનોલ (Retinol) જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા દિવસ દરમિયાન તેની ચકાસણી કરી લેવી હિતાવહ છે. - ઊંઘવાના તરત પહેલા સ્કિનકેર ન કરો
ઘણા લોકો સુતા પહેલા જ મોઢું ધોઈને બધી ક્રીમ લગાવી લેતા હોય છે. પરંતુ સ્કિનકેર પ્રોડક્ટ્સને ત્વચામાં ઊંડે સુધી શોષાવવા માટે સમય જોઈએ છે. તેથી સુવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા નાઇટ રૂટિન પૂરું કરી લેવું જોઈએ. નહીંતર બધી ક્રીમ તમારા ઓશિકા અને બ્લેન્કેટ પર જ ચોંટી જશે અને સ્કિનને તેનો કોઈ લાભ નહીં મળે. - બે સ્ટ્રોંગ પ્રોડક્ટ્સ એકસાથે ન લગાવો
ત્વચાને નુકસાન પહોંચાડે કે બળતરા કરે તેવા બે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ (જેમ કે એક્સફોલિએટિંગ એસિડ્સ અને રેટિનોલ) ક્યારેય એકસાથે ન વાપરવા. તેનાથી ત્વચાનું નેચરલ બેરિયર બગડી શકે છે, જેના કારણે ચહેરા પર લાલાશ, બળતરા કે કાળા દાગ-ધબ્બા પડી શકે છે. - મોઇશ્ચરાઇઝર સ્કીપ કરવાની ભૂલ ન કરો
તમારી સ્કિન ઓઇલી હોય કે સેન્સિટિવ, રાત્રે મોઇશ્ચરાઇઝર લગાવવું અત્યંત જરૂરી છે. રાત્રિ દરમિયાન સ્કિન રિપેર મોડમાં હોય છે, તેવામાં ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે તમારી સ્કિન ટાઇપ મુજબનું મોઇશ્ચરાઇઝર ચોક્કસ લગાવવું જોઈએ.
