રજાની જાણકારીના અભાવે દર્દીઓ ઉમટી પડતા ઈમરજન્સી વિભાગમાં અફડાતફડીનો માહોલ
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (ઙઉઞ) સિવિલ હોસ્પિટલમાં આજે સંવત્સરીની જાહેર રજાના દિવસે આરોગ્ય સેવાઓનો ભારે ધબડકો જોવા મળ્યો હતો. પવિત્ર સંવત્સરી પર્વ નિમિત્તે હોસ્પિટલમાં જનરલ ઓપીડી સહિતની સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી. જોકે, દૈનિક સારવાર અને તબીબી તપાસ માટે આવતા દર્દીઓની પૂરતી જાણકારીના અભાવે સવારથી જ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. ઓપીડી વિભાગના દ્વાર બંધ જણાતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પણ ઇમરજન્સી સારવાર વિભાગ તરફ દોડી ગયા હતા, જેના કારણે સમગ્ર ઇમરજન્સી વિભાગમાં ભારે અફડાતફડી અને ગડમથલનો માહોલ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ માત્ર શહેર પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓ માટે સંજીવની સમાન ગણાય છે. દરરોજ અત્રે હજારોની સંખ્યામાં ગંભીર અને સામાન્ય દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. સવંત્સરીની જાહેર રજાના કારણે ઓપીડી બંધ હોવાથી અને ઓપીડીના તબીબો તેમજ અન્ય સ્ટાફ ગેરહાજર હોવાના કારણે તમામ બોજ ઇમરજન્સી વિભાગ પર આવી પડ્યો હતો. એક તરફ અકસ્માત અને અન્ય ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓ ઇમરજન્સીમાં આવી રહ્યા હતા, તો બીજી તરફ સામાન્ય તાવ, શરદી, અને અન્ય શારીરિક તકલીફો ધરાવતા ઓપીડીના દર્દીઓ પણ સારવાર મેળવવા માટે ઇમરજન્સી વિભાગમાં આવી પહોંચ્યા હતા. ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફની સંખ્યા સામાન્ય દિવસો મુજબની જ હોવાથી અચાનક આવી પડેલા દર્દીઓના વિશાળ જથ્થાને પહોંચી વળવામાં સ્ટાફના પણ પસીના છૂટી ગયા હતા. સવારના સમયથી જ ઇમરજન્સી કેસ વિન્ડો તેમજ ટ્રીએજ એરિયા બહાર દર્દીઓ અને તેમના સ્વજનોની લાંબી કતારો દ્રશ્ર્યમાન થતી હતી. કેસ કઢાવવાથી લઈને ડોક્ટર સુધી પહોંચવા માટે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ ગંભીર હાલાકીના કારણે દર્દીઓના સગા-સંબંધિઓ અને હોસ્પિટલ સ્ટાફ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા હતા. સ્થાનિક દર્દીઓ અને તેમના પરિજનોએ હોસ્પિટલ તંત્ર સામે ભારે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે જાહેર રજાના દિવસે પણ ઓપીડીના દર્દીઓ માટે કોઈ વૈકલ્પિક હેલ્પડેસ્ક કે વધારાના સ્ટાફની વ્યવસ્થા ઊભી કરવી જોઈતી હતી. તહેવાર કે રજાના દિવસે દર્દીઓની સુવિધા માટે વધારાના તબીબોની ઓન-કોલ ડ્યુટી રાખવી જરૂૂરી છે. હોસ્પિટલ તંત્રની આગોતરી આયોજનના અભાવે આખરે દૂર-દૂરના ગામડાંઓમાંથી ભાડું ખર્ચીને આવેલા ગરીબ અને સામાન્ય દર્દીઓને ભારે શારીરિક તેમજ માનસિક યાતના ભોગવવાનો વારો આવ્યો હતો.
