ગુજરાતમાં હાલ ‘સર’ની પ્રક્રિયા હવે બીજા તબકકામાં પહોંચી ગઈ છે અને માર્ચ માસના અંત સુધીમાં રાજયમાં નવી મતદાર યાદી તૈયાર થઈ જશે. પરંતુ રાજયના વહીવટીતંત્ર અને ખાસ કરીને શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓ માટે વધુ એક મોટી કવાયત રાહ જુએ છે અને ગુજરાતમાં તા.1 એપ્રિલથી ઘરે ઘરે વસ્તી ગણતરીનો પ્રારંભ કરી દેવાશે.
રાજયની પ્રથમ ડિઝીટલ વસ્તી ગણતરી માટે ગુજરાતમાં ગઈકાલે મુખ્ય સચીવ મનોજકુમાર દાસના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં રાજયસ્તરીય વસ્તી ગણતરી સંકલન સમીતીના સભ્યો હાજર હતા. જેના સંયોજક તરીકે મહેસુલ વિભાગના સચીવ રાજેશ મંજુ ખાસ ઉપસ્થિત હતા અને તેમાં 2027ની વસ્તીગણતરીની પ્રક્રિયા માટેની પ્રાથમીકતા નિશ્ર્ચિત કરવામાં આવી હતી અને વહીવટી કામગીરી ઉપરાંત તાલીમ, કર્મચારીઓની નિયુક્તિ વગેરે પણ જોવામાં આવ્યું હતું. આમ રાજયનું તંત્ર વસ્તીગણતરી માટે તૈયાર છે. આ વર્ષની વસ્તી ગણતરી એ અનોખી બની રહેનાર છે. એપ્રિલ માસથી આ પ્રક્રિયા શરુ થશે અને આ માટે શિક્ષકો અને અન્ય શૈક્ષણિક કર્મચારીઓ તેમજ વસ્તીગણતરીમાં સામેલ કરાશે. એક વખત પરિક્ષાઓ પુરી થયા બાદ આ કામગીરી હાથ ધરાશે.
