જો સીબીએફસીની શાખા ખોલાય તો મુંબઇ પરનો ભાર હળવો થશે, ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રીયા સરળ અને ઝડપી બનશે: રાજયસભાના સાંસદ
ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્યની પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફિકેશન ગુજરાતમાં જ થાય તેવી માંગણી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ દ્વારા રાજ્યસભામાં કરવામાં આવી છે. આ માંગણીને પગલે પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાં હકારાત્મક ચર્ચા શરૂ થઈ છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટ (ઈઇઋઈ) કોઈ પણ ડોક્યુમેન્ટરી, વેબ સીરીઝ, ફિલ્મ કે ઓટીટી પ્લેટફોર્મ તેમજ થિયેટરમાં પ્રદર્શન માટે જરૂરી સર્ટિફિકેટ આપે છે. હાલમાં ઈઇઋઈની મુખ્ય શાખા મુંબઈમાં કાર્યરત છે, જેના હેઠળ અનેક રાજ્યો આવતાં હોવાથી ત્યાં ભારે કામકાજનો ભાર રહે છે. પરિણામે ફિલ્મોના સર્ટિફિકેશનમાં લાંબી પ્રક્રિયા અને વિલંબ સર્જાય છે.
ગુજરાત તથા રાજસ્થાનના ફિલ્મ જગતના પ્રતિનિધિઓ લાંબા સમયથી આ મુદ્દે રજૂઆતો કરતા આવ્યા છે. ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને પ્રોડ્યુસર્સ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતમાં ઈઇઋઈની અલગ શાખા શરૂ કરવામાં આવે જેથી પ્રાદેશિક ભાષાની ફિલ્મોને સરળતા મળે. આ રજૂઆતોને ધ્યાનમાં રાખી સાંસદ કેસરીદેવસિંહએ રાજ્યસભાના માધ્યમથી કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો હતો.
સાંસદે માંગણીમાં જણાવ્યું હતું કે જો ગુજરાતમાં ઈઇઋઈની નવી શાખા શરૂ કરવામાં આવે તો ગુજરાત તેમજ રાજસ્થાનની પ્રાદેશિક ફિલ્મોને મોટો લાભ મળશે. સર્ટિફિકેશનની પ્રક્રિયા સરળ બનશે અને ફિલ્મો સમયસર સર્ટિફાઇડ થઈ રિલીઝ કરી શકાશે. આ ઉપરાંત પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક કલાકારો તથા ટેક્નિશિયનોને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. જો ગુજરાતમાં ઈઇઋઈની નવી બ્રાન્ચ શરૂ થાય તો મુંબઈ પરનો ભાર પણ ઓછો થશે અને સમગ્ર ફિલ્મ સર્ટિફિકેશન પ્રક્રિયામાં ઝડપ આવશે. પ્રાદેશિક ફિલ્મોને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂતીથી રજૂ કરવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
