માર્ચ નજીક આવતા કાર્યવાહી: રાજકોટ, જુનાગઢ, કચ્છ, ભાવનગર, ગાંધીનગર, વડોદરામાં ટીમો ત્રાટકી
આગામી એપ્રીલમાં 2025/26 નાણાકીય વર્ષ પૂર્ણ થશે અને નવું નાણાકીય વર્ષ શરૂ થશે ત્યારે હવે માર્ચ મહિનો નજીક આવતા જ સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગે કમર કસી છે અને કરચોરી સામે આજથી જ તવાઈ શરૂ કરી છે અને આજે સવારથી જ રાજયભરમાં 30થી વધુ જગ્યાએ દરોડાનો દૌર શરૂ કર્યો હોવાનું સ્ટેટ જીએસટીનાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે સવારથી રાજકોટ સહિત જુદા જુદા જીએસટી વિભાગમાં અધિકારીઓ દ્વારા દરોડાનો દૌર શરૂ કરી દેવાયો છે.
ખાસ કરીને ફર્નિચર, સ્ટીલના વાસણો, કિચનવેર, અને ઈલેકટ્રોનીકસના વેપારીઓને ત્યાં દરોડા પડાયા છે જે જગ્યાઓએ દરોડા પડાયા છે તેમાં રાજકોટ, જુનાગઢ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને કચ્છનો સમાવેશ થાય છે. ઉપરોકત સ્થળોએ 30થી વધુ વેપારી પેઢીઓમાં કરચોરી અંગે તપાસો શરૂ કરવામાં આવી છે.
વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જે જે જગ્યાએ તપાસો હાથ ધરાઈ છે ત્યાં અન્ય વિભાગનાં અધિકારીઓને તપાસમાં જોડવામાં આવ્યા છે. રાજકોટ વિભાગનાં અધિકારીઓને જૂનાગઢમાં તપાસો સોપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરોડા આજે મોડી સવારથી અત્યંત ગુપ્ત રીતે શરૂ કરાયા છે સબંધીત અધિકારીઓને તપાસના વોરંટ પણ મોડી સવારે આપવામાં આવેલ હતા.
નોંધનિય છે કે મોટાભાગે માર્ચ માસ નજીક આવતા જ જીએસટી વિભાગ તેના કરચોરીના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે સક્રિય બને છે. અને વ્યાપક દરોડાનો દૌર શરૂ કરાય છે. આજનાં દરોડા પણ આજ રીતે પડાયા હોવાનું સુત્રો જણાવે છે.
