વિજ લોસ ઘટાડવા અને તંત્રના બાકી સેંકડો બીલના નાણા પ્રશ્રે પીજીવીસીએલ આકરા પાણીએ થયું છે અને ર700 જેટલી ચેકીંગ ટીમ ઉતારવામાં આવી હતી. અને ર8.68 લાખ ગ્રાહકો પાસેથી 6પ3 કરોડના લેણા વસુલવા સઘન ચેકીંગ અભિયાન હાથ ધરાયું છે. સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં દરોડા પડાયા હતા જેમાં ર.ર8 કરોડની વિજ ચોરી ઝડપી લીધી હતી. સેંકડો વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા અને અનેકભાગોમાં દેકારો બોલી ગયો હતો. વિજતંત્ર દ્વારા પૂર્વ નિર્ધારિત આયોજન હેઠળ આજે સવારથી બાકીદારોના વિજ જોડાણ કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 વિજ સર્કલોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. 2700 ટીમોને ફીલ્ડમાં ઉતારવામાં આવી હતી. દરેક સબ ડીવીઝન દીઠ 10-10 ટીમોને જવાબદારી સોંપવામાં આવી હતી. વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે 28.68 લાખ વિજ ગ્રાહકો પાસે વિજબીલના લેણા બાકી નીકળે છે અને રકમની દ્રષ્ટિએ આંકડો 653 કરોડ થવા જાય છે. સૌથી વધુ જામનગર જિલ્લાના વીજ ગ્રાહકો પાસેથી 88.71 કરોડની લેણી રકમ બાકી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં 76.64 કરોડ, રાજકોટ શહેરમાં 75.82 કરોડ, ભાવનગરમાં 53.77 કરોડ, કચ્છમાં 68.01 કરોડ, મોરબીમાં 53.92 કરોડ, અમરેલીમાં 41.80 કરોડ, પોરબંદરમાં 40.04 કરોડ, અંજાર સર્કલમાં 42.30 કરોડ, જૂનાગઢમાં 3123.55 કરોડ તથા બોટાદમાં 26.01 કરોડ લેણા છે. વિજતંત્રના સૂત્રોએ કહ્યું કે આજની ડ્રાઇવમાં સૌ પ્રથમ મોટા બાકીદારોના વિજ કનેકશન કાપવામાં આવશે અને તબકકાવાર અન્ય ગ્રાહકોનો વારો આવશે. બાકી લેણાની વસુલાત માટે એક્શન પ્લાન ઘડાયો છે તે આવતા દિવસોમાં પણ ચાલુ રહેશે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજ બીલના બાકી લેણા વસુલવા વિજ જોડાણ કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી જ છે. સાથોસાથ વિજચોરી સામે પણ આકરા એક્શન શરૂ કરાયા હોય તેમ રાજકોટ અને સુરેન્દ્રનગરના સંવેદનશીલ ગામોમાં પોલીસ સુરક્ષા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા અને 2.28 લાખની વિજચોરી પકડવામાં આવી હતી.
પીજીવીસીએલ દ્વારા સતાવાર રીતે એમ કહેવાયું છે કે સુદામડા, સાયલા, જાની વડલા, નાની મેલડી, થાન, આંકડીયા તથા મોટામાત્રા જેવા ગામોમાં વિજ ચેકીંગ ટીમોને કામગીરી કરવા દેવાતી નહતી ત્યારે રાજકોટના જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર તથા સુરેન્દ્રનગરના પોલીસવડા પ્રેમસુખ ડેલુ સાથે સંકલન કરીને સુરક્ષા બંદોબસ્ત હેઠળ ચેકિંગ કરાયું હતું. ખાનગી ટ્રાન્સફોર્મર મારફત 25 કીમી લાંબા કેબલ નાખીને વિજ ચોરીનો ખુલાસો થયો હતો.
