ટાગોર રોડની કલ્યાણ સોસાયટીમાં રોડ પર ગેરકાયદેસર દિવાલ ચણી દેવાતા રહીશોમાં રોષ

સોસાયટીના ત્રણ મકાનધારકોનું કારસ્તાન: અગાઉ મનપાએ ડિમોલીશન કરવા છતાં વધુ એકવાર દિવાલ ચણી લીધી

રાજકોટ શહેરના ટાગોર રોડ પાસે આવેલી કલ્યાણ સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી 12થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે. શહેરના વિકસિત વિસ્તાર ટાગોર રોડને જોડતો મહત્વનો માર્ગ બે કલ્યાણ સોસાયટીમાંથી પસાર થાય છે, જે વર્ષોથી સામાન્ય જનતા માટે જાહેર માર્ગ તરીકે ઉપયોગમાં આવે છે.
અગાઉ ડિસેમ્બર-2023 દરમિયાન આ જ જાહેર માર્ગ પર અમુક સ્થાનિક રહેવાસીઓ દ્વારા પોતાના અંગત હિતોને પ્રાધાન્ય આપી ગેરકાયદેસર રીતે દિવાલ બાંધવામાં આવી હતી. આ અંગે રહેવાસીઓની લેખિત રજૂઆત બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તપાસ કરી ગેરકાયદેસર દિવાલનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
પરંતુ ફરી એકવાર સોસાયટીના ત્રણ મકાનધારકો દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ ચણી જાહેર માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે સંબંધિત સોસાયટી હાલ વિસર્જિત (ખાલસા) થઈ ચૂકી છે અને તેનું સંચાલન તથા વહીવટી નિયંત્રણ સંપૂર્ણપણે રાજકોટ મહાનગરપાલિકા પાસે છે. તેમ છતાં અમુક રહેવાસીઓ દ્વારા કાયદાનો ભંગ કરી સ્વૈચ્છિક રીતે જાહેર માર્ગ અવરોધિત કરવામાં આવ્યો છે.જાહેર માર્ગ બંધ થવાના કારણે આસપાસના રહેવાસીઓની આવન-જાવનમાં ગંભીર અડચણો સર્જાઈ છે. શેરી બે રસ્તાવાળી હોવાના કારણે ટ્રાફિકની સુગમતા અને ઈમરજન્સી સેવાઓ માટે માર્ગ ખુલ્લો રાખવો અનિવાર્ય છે, પરંતુ દિવાલના કારણે સલામતી જોખમમાં મુકાઈ છે. ઉપરાંત, કેટલાક રહેવાસીઓ દ્વારા જાહેર માર્ગને ખાનગી કાર પાર્કિંગ તરીકે ઉપયોગમાં લઈ અરાજક સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે. આ મુદ્દે છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કાયમી અને કાયદેસર નિરાકરણ મળ્યું નથી, જેના કારણે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને લોકો ત્રાહિમામની પોકારી ઉઠયા છે.પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર દિવાલ દૂર કરવા માટે મેયર, ધારાસભ્ય, નાયબ ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવાનું રહેવાસીઓએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ