ઝાલાવાડમાં ગરમીનો પ્રકોપ: જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ સવારની કરવા શિક્ષક સંઘની પ્રબળ માંગ
સમગ્ર રાજ્યમાં હાલ ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચી રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યનું સૌથી ગરમ કેન્દ્ર બની રહ્યો છે. ચામડી દઝાડતી ગરમી અને લૂના કારણે પ્રાથમિક શાળાના નાના બાળકોની હાલત કફોડી બની રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાની તમામ શાળાઓનો સમય સવારનો કરવા માટે શિક્ષણ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સંઘ દ્વારા કરાયેલ મુખ્ય રજૂઆતો સાથે માંગણી કરતા જણાવેલ છે કે તાપમાનનો વધારો: હવામાન વિભાગના અનુમાન મુજબ 10 માર્ચ થી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી રહ્યો છે.
બપોરની કાળઝાળ ગરમીમાં બાળકો ડી-હાઈડ્રેશન, લૂ લાગવી, અતિશય થાક અને અન્ય શારીરિક સમસ્યાઓનો ભોગ બની શકે છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા માટે આગામી 16 માર્ચ, સોમવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા તાત્કાલિક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘ પ્રમુખ દિપેન્દ્રભાઇ ધાધલ અને મહામંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગે વાતચીત કરતા જણાવ્યું કે
“ઝાલાવાડની ધરતી પર સૂર્યદેવ લાલચોળ થયા છે ત્યારે નાના બાળકો આ ગરમી સહન કરી શકે તેમ નથી. બાળકોના આરોગ્ય અને સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે શાળાઓ સવારની કરવામાં આવે તે અનિવાર્ય છે.”
સુરેન્દ્રનગર જિલ્લો હાલ રાજ્યમાં ’હોટ સ્પોટ’ બની રહ્યો છે ત્યારે શિક્ષણ જગત અને વાલીઓ પણ શિક્ષક સંઘની આ માંગણીને સમર્થન આપી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે શિક્ષણ વિભાગ આ અંગે કેટલો ઝડપી નિર્ણય લે છે.
