મેટા, ગુગલ, એકસ સામે ગુજરાત હાઇકોર્ટ ખફા એઆઇના દુરૂપયોગ, ડીપફેક વીડિયો મામલે નોટીસ

સોશિયલ મીડિયા સામે લગામ કસવા જાહેર હિતની અરજી
8 મે સુધીમાં જવાબ રજુ કરવા આદેશ: કંપનીઓ નિયમના પાલનમાં અખાડા કરતી હોવાનો અરજદારનો આરોપ

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) દ્વારા બનાવવામાં આવતા ડીપફેક વીડિયો અને તસવીરો પર લગામ કસવા માટે એક મજબૂત નિયમનકારી તંત્રની માંગ કરતી જાહેર હિતની અરજી (ઙઈંક) પર ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રાયની ખંડપીઠે આ મામલે દિગ્ગજ ટેક કંપનીઓ મેટા ઈન્ડિયા, ગૂગલ, એક્સ (ડ), રેડિટ અને સ્ક્રિબડને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટે આ તમામ પ્લેટફોર્મ્સને આગામી 8 મે સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
કોર્ટે આ આદેશ દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે તમામ મધ્યસ્થી કંપનીઓએ સરકારના ’સહયોગ’ (જઅઇંઢઘૠ) પોર્ટલ પર જોડાવું અનિવાર્ય છે. આ પોર્ટલનો હેતુ ગેરકાયદેસર સામગ્રીને તાત્કાલિક દૂર કરવા અને તપાસ એજન્સીઓ સાથે વધુ સારું સંકલન સાધવાનો છે. ખંડપીઠે નોંધ્યું હતું કે માહિતી ટેકનોલોજી અધિનિયમ (2026ના સુધારેલા નિયમો) હેઠળ નિર્ધારિત જવાબદારીઓનું પાલન કરવું ટેક કંપનીઓ માટે ફરજિયાત છે અને તેમની અર્થપૂર્ણ પ્રતિક્રિયા જ આ કાયદાકીય માળખાને સફળ બનાવશે.
કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કાયદેસરની નોટિસો પર કાર્યવાહી કરવામાં વિલંબ કરે છે અને અનેકવાર પ્રક્રિયાગત અવરોધો ઊભા કરે છે. ખાસ કરીને ’ડ’ (અગાઉનું ટ્વિટર) વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીર ફરિયાદ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2024 થી 2026 વચ્ચે ’ડ’ ને કુલ 94 નોટિસો આપવામાં આવી હતી, પરંતુ તેમાંથી માત્ર 13 નોટિસોનો જ ઔપચારિક જવાબ મળ્યો છે. આ પ્રકારનું વલણ કાયદાના અમલીકરણમાં મોટો અવરોધ છે.
અરજદાર વિકાસ નાયરે પોતાની અરજીમાં એવી રજૂઆત કરી હતી કે હાલનો કાયદાકીય ઢાંચો, જેમાં આઈટી એક્ટ 2000 અને ભારતીય ન્યાય સંહિતાનો સમાવેશ થાય છે, તે આધુનિક અઈં ટેકનોલોજી અને ડીપફેકના જોખમોને રોકવા માટે અપૂરતો છે. ડીપફેક વીડિયો લોકશાહીના કાર્ય અને જાહેર વ્યવસ્થા માટે ગંભીર ખતરો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. અરજદારે માંગ કરી છે કે સરકાર એવું મજબૂત નિયમનકારી માળખું તૈયાર કરે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જવાબદાર ઠેરવી શકે અને લોકહિતની રક્ષા કરી શકે.
રાજ્ય સરકારે પણ સૂચન કર્યું છે કે તપાસ એજન્સીઓ અને ડિજિટલ સેવા પ્રદાતાઓ વચ્ચે રીઅલ-ટાઇમ સંકલન હોવું જોઈએ. ગેરકાયદેસર સામગ્રી હટાવવા માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી જોઈએ. હાલમાં ગૂગલ અને મેટા જેવી કંપનીઓએ ’સહયોગ’ પોર્ટલ સાથે જોડાઈને કામગીરીમાં સુધારો કર્યો છે, પરંતુ અન્ય પ્લેટફોર્મ્સ હજુ પણ પાછળ છે. હાઈકોર્ટે હવે ટેક કંપનીઓને આ મામલે પોતાનો પક્ષ રાખવા અને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત સરકારે પણ તેની રજૂઆતમાં જણાવ્યું હતું કે મધ્યસ્થીઓ વારંવાર કાયદેસરની નોટિસો પર અમલ કરવામાં વિલંબ કરે છે અને સામગ્રી દૂર કરવાને બદલે વધારાની માહિતીની માંગણી કરીને પ્રક્રિયા લંબાવે છે. રાજ્ય સરકારે તપાસ એજન્સીઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે સીધા અને ઝડપી સંકલન માટેની વ્યવસ્થા હોવી જોઈએ તેવું સૂચન કર્યું છે. બીજી તરફ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે આઈટી એક્ટ હેઠળ મધ્યસ્થીઓએ એવી તકનીકી વ્યવસ્થા ગોઠવવી ફરજિયાત છે કે જેથી યુઝર્સ ગેરકાયદેસર સિન્થેટિક માહિતી બનાવી કે શેર ન કરી શકે. અત્યાર સુધીમાં 524 મધ્યસ્થીઓ ’સહયોગ’ પોર્ટલ પર નોંધાયા છે અને આ પોર્ટલ દ્વારા 16,000 થી વધુ પોલીસ સ્ટેશનો વિવિધ વિનંતીઓ મોકલી રહ્યા છે. મંત્રાલયે ઉમેર્યું કે સમસ્યા કાયદાના અભાવની નથી, પરંતુ કેટલીક કંપનીઓ દ્વારા કરવામાં આવતા અધૂરા કે વિલંબિત પાલનની છે. અદાલતે હવે તમામ પ્રતિવાદી મધ્યસ્થીઓને આદેશ આપ્યો છે કે તેઓ અરજદારની દલીલો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વ્યવહારુ મુશ્કેલીઓ અને 2026 ના નિયમોના પાલન અંગે વિગતવાર જવાબ રજૂ કરે.

રિલેટેડ ન્યૂઝ