ટંડેલ મળી 17 ખલાસીનો ચમત્કારીક બચાવ : ડ્રોન વહાણની કેબિન પર પડતા વહાણ ડુબવા લાગ્યું
ઈરાન નજીક આંતર રાષ્ટ્રીય જળસીમામા ચાલી રહેલા તણાવનો ભોગ હવે સૌરાષ્ટ્રના સાગરખેડુ બની રહ્યા છે. ઈરાન-અમેરિકાના ક્રોસ ફાયરીંગ સમયે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં સલાયાના વહાણ પર ડ્રોન પડતા વહાણ ડૂબવા લાગ્યું હતું. આ ઘટનામાં એક ખલાસીનું મોત નિપજ્યું છે. જ્યારે ટંડેલ સહિત અન્ય 17 ખલાસીનો બચાવ થયો છે.
સલાયાનું ખજટ અલ ફૈઝે નૂર સુલેમાની-1 નામનું વહાણ 7 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોરમૂંઝ પાસેથી પસાર થતી વખતે ઈરાન અને અમેરિકાની નૌકાદળ વચ્ચે થયેલા ક્રોસ ફાયરિંગનો ભોગ બન્યું હતું. અને એક ડ્રોન આ વહાણ ઉપર પડ્યાના અહેવાલ મળ્યા છે. આ ઘટનામાં વહાણને ભારે નુકસાન થતાં તે ડૂબી ગયું હતું. અને સલાયાના એક ખલાસી અલ્તાફ તાલબ કેરનું મૃત્યુ થયું હતું. વહાણમાં એક ટંડેલ સહિત કુલ 18 સભ્યો સવાર હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, આ વહાણ દુબઈથી જનરલ કાર્ગો ભરીને યમનના મુકાલા બંદરે જઈ રહ્યું હતું. સ્ટ્રેટ ઓફ હોરમૂંઝ પાસેથી પસાર થતી વખતે ઈરાની અને યુ.એસ. નૌકાદળ વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું, જેમાં આ પસાર થતા વહાણને મોટું નુકસાન થયું હતું.ફાયરિંગ દરમિયાન વહાણના એન્જિન રૂમમાં હાજર એન્જિનના ડ્રાઈવર સલાયાના અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બાકીના ખલાસીઓ અને ટંડેલ સહિત 17 લોકોએ પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો.જેમને પણ નાની મોટી ઇજાઓ થઈ હતી. આ તમામને નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા અને 8 મેના રોજ દુબઈ પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ સલાયામાં થતાં વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી છવાઈ છે. ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્ર અને સરકારને જાણ કરી છે. તેમણે મૃતક યુવાનની અંતિમ વિધિ માટે તેમજ દુબઈ પહોંચેલા બાકીના ખલાસીઓને સુરક્ષિત રીતે પરત લાવવા માટે માંગણી કરી છે. આદમ ભાયાએ મૃતકના ડેથ સર્ટિફિકેટ અને અન્ય કાગળોની કાર્યવાહી તુરંત કરવા પણ અપીલ કરી છે.મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા વેપારી મંડળ પ્રમુખ ભરતભાઈ લાલ સહિત આગેવાનો એના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને મૃતકના પરિવારને સાંત્વના આપી હતી.
