ઈ-ફાર્મસીના કારણે બજારમાં ડુપ્લીકેટ દવાનું બેફામ વેચાણ સરકારની બેધારી નીતિ સામે કેમિસ્ટ એસોસીએશનનો ઠેર ઠેર વિરોધ
રાજકોટ ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, જામનગર, અમરેલી, વેરાવળ સહિતના શહેરોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા : કલેક્ટર, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
સમગ્ર દેશમાં ઓનલાઈન ફાર્મસી એટલે કે ઓનલાઈન દવા વેંચાણના દૂષણને ડામવા માટે તંત્રની નિષ્ક્રીયતા સામે દવા વિક્રેતાઓએ બુધવારે દેશવ્યાપી હડતાળનું એલાન કર્યુ હતું. રાજકોટના 1600 મળી સૌરાષ્ટ્ર-કચ્છના 6500થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા દર્દીઓને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, દર્દીઓને મુશ્કેલી પડે નહીં તે માટે ઈમરજન્સી સેવા માટે કેટલીક જગ્યાએ મેડિકલ સ્ટોર્સ ખુલ્લા રાખવામાં આવ્યા હતાં. રોષિત દવા વિક્રેતાઓએ ઠેર ઠેર આવેદનપત્ર પાઠવ્યું હતું.
ગેરકાયદે ધમધમી રહેલા ઓનલાઈન દવાઓના વેચાણ અને તેનાથી ઉભા થતાં સ્વાસ્થ્યના જોખમોના વિરોધમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, ખંભાળિયા, ઉના, દીવ, વેરાવળ, દ્વારકા, ભાણવડ, સહિત સૌરાષ્ટ્ર-કચ્છના શહેરોમાં આવેલા 6500થી વધુ દવા વિક્રેતાઓએ બુધવારે વિરોધ પ્રદર્શન કરી મેડિકલ સ્ટોર્સ બંધ રાખ્યા હતાં. રાજકોટના મોટી ટાંકી ચોક વિસ્તારમાં રાજકોટ કેમિસ્ટ એસોસીએશને વિરોધ નોંધાવ્યો હતો. અને શહેરમાં આવેલા 1600થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતાં. રાજકોટ કેમિસ્ટ એસોસીએશને અને મેડિકલ સ્ટોર્સના સંચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
જામનગર
જામનગર સહિત સમગ્ર દેશમાં ’કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન’ દ્વારા સજ્જડ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી બંધના પગલે જામનગર શહેરમાં નાના-મોટા મેડિકલ સ્ટોર્સ બુધવારેે સંપૂર્ણપણે બંધ રહયા.હતા અને તમામ પ્રકારની દવાઓનું વેચાણ અટકાવી દેવામાં આવ્યુ. જોકે, આ હડતાળના કારણે ગંભીર બીમારીથી પીડાતા અને તાત્કાલિક દવાની જરૂરિયાતવાળા દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુથી એક રાહતરૂપ નિર્ણય લેવાયો છે. જામનગર એસોસિએશન દ્વારા માનવતાના ધોરણે શહેરના અલગ-અલગ 7 જેટલા નિયત સ્થળો ઉપર ઈમરજન્સી દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
મેડિકલ સ્ટોરના સંચાલકો અને એસોસિએશન દ્વારા કરવામાં આવી રહેલા આ ઉગ્ર વિરોધના મૂળમાં મુખ્યત્વે ઈ-ફાર્મસી એટલે કે ઓનલાઈન દવાઓના વેચાણનો મુદ્દો રહેલો છે. મોટા કોર્પોરેટ ગૃહો અને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે દવાઓ પર તોતિંગ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો સ્થાનિક કેમિસ્ટો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, જામનગર કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનમાં એવો પણ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે ઓનલાઈન માર્કેટમાં નકલી અને ડુપ્લિકેટ દવાઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. એસોસિએશનનો દાવો છે કે આ ઓનલાઈન વેચાણ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં સમાન છે, તેથી તેના પર તાત્કાલિક ધોરણે સરકારે કડક નિયંત્રણો અને પ્રતિબંધ મુકવો જોઈએ.
જોકે, આ હડતાળ અને વિરોધ પ્રદર્શન પાછળનું બીજું અને વાસ્તવિક ચિત્ર પણ ઘણું સ્પષ્ટ છે, જેમાં મેડિકલ સંચાલકોની બેવડી નીતિ છતી થાય છે. બજાર માં એવી ચર્ચા ઉઠી છે કે મેડિકલ સ્ટોરના સંચાલકોને અત્યારે અચાનક ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ વેચાઈ રહી હોવાનો મુદ્દો કેમ યાદ આવ્યો ? ખરી હકીકત એ છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર દવાઓ ખૂબ જ સસ્તા ભાવે અને આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળતી હોવાના કારણે ગ્રાહકો તે તરફ વળ્યા છે, જેના લીધે સ્થાનિક મેડિકલ સ્ટોર્સના ધંધા લગભગ ચોપટ થઈ ગયા છે.
અમરેલી
અમરેલી જિલ્લામાં 500થી પણ વધુ મેડિકલ સ્ટોર્સ સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવ્યા હતા. અમરેલી શહેર ઉપરાંત જિલ્લાનાં સાવરકુંડલા, બાબરા, વડીયા સહિતના અનેક શહેરો અને તાલુકા મથકોમાં મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા. કેમિસ્ટ એસોસિએશનના આગેવાનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ઑનલાઇન ફાર્મસી દ્વારા દવાઓના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે પરંપરાગત મેડિકલ સ્ટોર્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. સાથે સાથે ઑનલાઇન પ્લેટફોર્મ મારફતે ડુપ્લીકેટ અને બિનપ્રમાણભૂત દવાઓના વેચાણ થવાની શક્યતાઓ સામે પણ કેમિસ્ટોએ ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે સરકાર દ્વારા કડક નિયંત્રણ અને યોગ્ય નીતિ બનાવવાની માંગ સાથે બંધનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાભરના મેડિકલ સ્ટોર સંચાલકોએ એકતા દર્શાવી બંધને ટેકો આપ્યો હતો.
ભાવનગર
ઓનલાઈન દુનિયા થઈરહી છે ત્યારે તેમાંથી જીવન જરૂરિયાત દવાઓ નું વેચાણ પણ હવે બાકાત રહ્યુંનથી.જેની સીધી અસર મેડિકલ સ્ટોર ધારકો પરતો ધંધાકીયરીતે પડીજ રહી છે સાથે લોકોના આરોગ્ય સાથે ચેડાપણ થઈ રહ્યા છે આવા સંજોગો વચ્ચે બુધવારે તળાજા શહેર તાલુકાના તમામ મેડિકલ સ્ટોર ધારકોએ પોતાનો ધંધોબંધ રાખી સરકાર ઓન લાઈન વેચાણ બંધ કરાવે ની માગણી કરી હતી.
મેડિકલ સ્ટોર એસોસિએશન ના પ્રમુખ આદિત્યભાઈ ઓઝા એ જણાવ્યું હતુ કે તળાજા શહેરમા પાંચ હોલસેલ મળી 35 મેડિકલ સ્ટોર છે.ગામડાઓ મળી કુલ 60 છે.આ તમામ મેડિકલ સ્ટોર ધારકો એ પૂર્વ આયોજન મુજબ ધંધારોજગાર બંધ રાખીને મામલતદાર ને આવેદનપત્ર આપેલ હતું.
ખંભાળિયા
ખંભાળિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ મુદ્દે જણાવ્યા મુજબ ડોક્ટરના યોગ્ય પ્રેસ્ક્રિપ્શન વગર વેંચાતી દવાઓ, દર્દીઓને ખોટી કે સમય મર્યાદા નજીકની અથવા શંકાસ્પદ દવાઓ મળવાની સંભાવના વચ્ચે દર્દીઓની સલામતી અને દવા નિયંત્રણ વ્યવસ્થાને જોખમાય તેવી પરિસ્થિતિ વચ્ચે સરકારના જીએસઆર 817 (ઈ) ને પાછું ખેંચી કડક અને સમાન નિયંત્રણની માંગ કરવામાં આવી છે. આટલું જ નહીં, કોર્પોરેટ અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ડીપ ડિસ્કાઉન્ટના કારણે નાના અને મધ્યમ કેમિસ્ટનો વ્યવસાય ખોવાઈ જવા તેમજ સસ્તી કિંમતના નામે ગુણવત્તા અંગે ઉભી થતી શંકાઓ તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ પર ડુપ્લીકેટ દવાઓના મોટાપાયે થઈ રહેલા વેચાણ સહિતના વિવિધ મુદ્દે અહીંના દવા વિક્રેતાઓ દ્વારા આજે બુધવારે સામુહિક રીતે પોતાની દુકાનો બંધ રાખી, વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ હડતાલ આંદોલનમાં અહીંના આશરે 70 થી 80 જેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સાવરકુંડલા
સાવરકુંડલા તાલુકાના તમામ મેડિકલ સ્ટોર્સ બુધવારે બંધ જોવા મળ્યા હતા. આ બંધનું આયોજન સાવરકુંડલા કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યું છે. ઓનલાઈન ફાર્મસી પ્લેટફોર્મ્સ દ્વારા ડુપ્લીકેટ, અનધિકૃત અને નકલી દવાઓના વેચાણને કારણે દર્દીઓના જીવન સાથે ચાલતા જોખમ અને સ્થાનિક કેમિસ્ટોના વ્યવસાયને થતા નુકસાનના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી આંદોલનના ભાગરૂપે સાવરકુંડલામાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવ્યા હતા. જ્યારે ઈમરજન્સી માટે શ્રીજી મેડિકલ સ્ટોર્સ અને માધવાણી મેડિકલ સ્ટોર્સને ખુલ્લા રાખવામાં આવ્યા હતાં.
ડોળાસા
ભારત ભર માં દવા ની દુકાન ચલનારા વેપારીઓએ સરકાર સામે ની ફરિયાદો ના ઉકેલ માટે ભારત ભર ના તમામ મેડિકલ સ્ટોર ને બંધ નું એલાન આપ્યું હતું.જેના પગલે કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ના તમામ દવાના વેપારીઓએ પોતાની દુકાન દિવસ ભર બંધ રાખી હતી.
