કાળઝાળ ગરમી વચ્ચે ટેન્શન : રાજ્યના 88 જળાશયોમાં 20 ટકાથી ઓછું પાણી

10 જેટલા જળાશયો તળિયાઝાટક : રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 70.92 ટકા પાણી

હાલ ગુજરાતમાં કાળઝાળ ગરમી છે ત્યારે રાજ્યના 88 જેટલા જળાશયોમાં 20 ટકાથી ઓછું પાણી બચ્યું છે જ્યારે 10 જળાશયો સાવ તળિયાઝાટક છે ત્યારે ચોમાસા પહેલા ટેન્શન વધ્યું છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં 70.92 ટકા જળનો જથ્થો છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં રાજ્યના કુલ 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 55.24 ટકા જ બચ્યું છે. ચિંતાની વાત એ છે કે રાજ્યના 88 જળાશયોમાં પાણીનું સ્તર 20 ટકાથી પણ ઓછું થઈ ગયું છે, જ્યારે 10 મોટા ડેમ તો સાવ તળિયાઝાટક થઈ ગયા છે, જેને પગલે વહીવટી તંત્ર અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં 90 ટકાથી વધુ જળસ્તર ધરાવતું એકમાત્ર જળાશય રાજકોટનું આજી-2 છે. આ સિવાય અન્ય નોંધપાત્ર જળસ્તર ધરાવતા જળાશયોમાં ભાવનગરના હાનોલમાં 88.93 ટકા, સુરેન્દ્રનગરના વાંસોલમાં 87.15 ટકા, મહીસાગરના વણાકબોરીમાં 86.89 ટકા, ભાવનગરના રંઘોલામાં 83.75 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. ગુજરાતના જુદા-જુદા જિલ્લાના 10 જળાશયોમાં પાણી સાવ ખલાસ થઈ ગયું છે અને ત્યાં તળિયું દેખાઈ ગયું છે, જેમાં મુખ્યત્વે પોરબંદરમાં સારણ, જૂનાગઢમાં પ્રેમપરા, કચ્છમાં કૈલા, પોરબંદરમાં અમીપુર, દેવભૂમિ દ્વારકામાં ગઢકી, સુરેન્દ્રનગરમાં નિમ્બાણી જેવા જળાશય તળિયાઝાટક છે. હવે જો ચોમાસું સમયસર અને સારું નહીં રહે, તો રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી કટોકટી સર્જાઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ