રાજ્યસભાની ચૂંટણી માટે જાહેરનામું: રાજકોટમાંથી અંજલીબેન રૂપાણીના નામની શક્યતા

વર્તમાન સભ્યોના પદ 21મી જૂને પૂરા થશે
પ્રથમ વખત રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત બનશે

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરાયો છે. 2021માં ગુજરાતની ચાર બેઠકો પર ભાજપમાંથી રામભાઇ મોકરિયા, નરહરિ અમીન, રમીલાબેન બારા તેમજ કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ વિજયી થયા હતા. આ ચારેયના સભ્ય પદ જૂનની 21મીએ પૂરાં થઇ રહ્યા છે એ પહેલાં તેની ચૂંટણી માટે આજે 1 જૂનના રોજ વિધીવત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને ચૂંટણીના કાર્યક્રમ મુજબ તા.8 જૂને ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ છે. સામાન્ય રીતે રાજ્યસભા માટે ઉમેદવારીપત્ર માટે સંબંધિત રાજકીય પક્ષ પાસે ધરાસભ્યોનું પૂરતું સંખ્યાબળ હોવું જરૂૂરી હોય છે એ સંજોગોમાં હાલ ભાજપ પાસે 162 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે 12 સભ્ય છે. એ જોતાં ચારેય બેઠક પર ભાજપનો કબજો નિશ્ર્ચિત મનાય છે અને પ્રથમ વખત રાજ્યસભા ગુજરાત કોંગ્રેસ મુક્ત બને તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં ભાજપમાં વર્તમાન સાંસદો પૈકી કેટલાકે પોતાનો ચાન્સ મળે માટે જરૂૂરી પ્રયાસો કર્યા છે એની સાથોસાથ દલિત, આદિવાસી વર્ગમાંથી પણ નવા શિક્ષિત ચહેરાને ચાન્સ મળે માટે સંબંધિત આગેવાનોએ બાયોડેટા ભાજપ નેતૃત્વ સુધી પહોંચાડવા પ્રયાસ કર્યા છે. જોકે, આ ચારેય બેઠકોમાં જોવા જઇ તો સૌરાષ્ટ્રમાંથી કેટલાક જૂના જોગીઓ પર નજર દોડાવાઇ છે એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂૂપાણીના નામની પણ શક્યતા જોવાઇ રહી છે. વિજયભાઇની રાજકીય કારકિર્દી રાજ્યસભાના સભ્ય તરીકે જ શરૂૂ થઇ હતી અને આગળ જતાં ધારાસભ્ય, પ્રદેશ પ્રમુખ અને પછી છેક મુખ્યમંત્રી સુધીની રાજકીય સફર રહી હતી. એક વર્ષ અગાઉ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની દૂર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળની મુલાકાત બાદ રૂૂપાણી પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને એ પછી રાજકોટ મુલાકાત વખતે અંજલિબેનને મળ્યા હતા. હમણાં ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત વેળા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે પ્રદેશની ટીમને રાજ્યસભા માટે કેવા ચહેરા હોવા જોઇએ તેના અંગે ચર્ચા કરી હતી. ત્યારે પાંચેક દિવસમાં આ નામો જાહેર થાય એવી શક્યતા છે ત્યારે જોવું રહ્યું કે કોને ચાન્સ મળે છે. રાજ્યસભા માટે અંજલિબેન રૂૂપાણી સિવાય ગોરધન ઝાડફિયાના નામની પણ ચર્ચા છે.જોકે ભાજપ હંમેશા ઉમેદવારોની પસંદગીમાં અણધાર્યું કરવા ટેવાયેલ છે, ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ચારેય ઉમેદવારો માટે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ લેશે તે નિશ્ર્ચિત મનાય છે.

રિલેટેડ ન્યૂઝ