જેતલસરમાં વીજચોરી કરનાર ગલગલીયા ઢાબાને 50 લાખનો દંડ ફટકારતું તંત્ર

મીટરની સિસ્ટમ સાથે ગંભીર છેડછાડ કરાયાનો લેબનો રિપોર્ટ

જેતલસર રોડ પર ચોવીસેય કલાક ગ્રાહકોથી ધમધમતા પ્રખ્યાત ગલગલીયા ઢાબામાં અંદાજે ₹50 લાખથી વધુની તોતિંગ વીજ ચોરી ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગલગલીયા ઢાબાના માલિક દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે પોતાનું વીજ મીટર બદલાવવા માટે સત્તાવાર અરજી કરવામાં આવી હતી. આ અરજીના અનુસંધાને પીજીવીસીએલના લાઈનમેન અને કર્મચારીઓની ટીમ ઢાબા પર પહોંચી હતી અને ત્યાં ચાલુ લાઈનમાંથી જૂનું મીટર ઉતારીને નવું ડિજિટલ મીટર લગાવી આપ્યું હતું. નિયમ મુજબ, ગ્રાહકની અરજીથી ઉતારવામાં આવેલા આ જૂના મીટરને શંકાસ્પદ જણાતા પીજીવીસીએલની લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ અને ટેસ્ટિંગ માટે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પીજીવીસીએલની લેબના ટેકનિકલ અધિકારીઓ અને નિષ્ણાત ટીમ દ્વારા જ્યારે આ જૂના મીટરનું ઉંડાણપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મીટરની અંદરની સિસ્ટમ સાથે ગંભીર છેડછાડ કરવામાં આવી હતી. લેબના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ ટેકનિકલ છેડછાડ દ્વારા મોટા પાયે વીજળીની ચોરી આચરવામાં આવી રહી હતી. આ ચોરી પકડાતા જ ડેપ્યુટી એન્જીનીયર વેલેરાના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલના સ્ટાફે હોટેલના લોડ અને ભૂતકાળના વપરાશના આધારે અત્યાર સુધીની વીજ ચોરીનો આખો હિસાબ માંડ્યો હતો. આ ગણતરીના અંતે ઢાબા માલિકને 50 લાખથી વધુનો દંડ ફટકારી, તાત્કાલિક ધોરણે હોટેલનું વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. આ કડક કાર્યવાહીના કારણે હંમેશા લોકોની ચહલપહલથી ધબકતી હોટેલમાં એકાએક અંધારપટ છવાઈ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ