સિંહના હુમલાથી મોત અને ખુદ સિંહોના મૃત્યુના વધતા કિસ્સા
પીએમ રિપોર્ટ બાદ સિંહબાળના મૃત્યુનું કારણ બહાર આવશે
રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે અમરેલી જિલ્લાના પ્રવાસે હતા. તે દરમિયાન જ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના સેમરડી બીટમાં રેવન્યુ વિસ્તારમાં આવેલા એક મંદિર પાછળથી 6 થી 7 માસની ઉંમરના સિંહબાળનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સિંહબાળના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા આજે અમરેલી જિલ્લાના પ્રવાસે હતા ત્યારે જ ધારી ગીર પૂર્વ વનવિભાગ હેઠળની દલખાણીયા રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી એક સિંહબાળનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
દલખાણીયા વિસ્તારના સેમરડી બીટમાં આવેલા એક મંદિર પાછળ સિંહબાળ મૃત હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને વનવિભાગે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અને સિંહબાળના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કે મોતનું કારણ અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સિંહબાળના મોત પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
તાજેતરના સમયમાં અમરેલી જિલ્લામાં એક તરફ સિંહોના હુમલાની ઘટનાઓ વધી રહી છે, તો બીજી તરફ સિંહોના મોતના બનાવો પણ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દલખાણીયા રેન્જમાં સિંહબાળના મોતની ઘટનાએ સિંહ પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા વધારી છે. અનેક લોકોએ સમગ્ર ઘટનાની તટસ્થ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવી છે.
અમરેલી જિલ્લામાં સતત બની રહેલી સિંહ સંબંધિત ઘટનાઓને પગલે વનવિભાગની કામગીરી અને વન્યજીવ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વનવિભાગની તપાસ પર કેન્દ્રિત થઈ છે, જે બાદ જ સિંહબાળના મોતનું વાસ્તવિક કારણ સામે આવશે.
