સાવરકુંડલાના વીજપડી, ચીખલી, ધાંડલા, ગોરડકા, ખાંભાના નાનુડી અને ભાડમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડુતોમાં આનંદ
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભીમ અગિયારસના દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. શુક્રવારના રોજ જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના વિસ્તારોમાં સાંજે હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતાં. આજે અમરેલી અને ભાવનગરમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
હવામાન વિભાગે આગામી તા. 2 જૂલાઈ સુધી ગુજરાત રિજીયન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ હતી.
રાજકોટ અને અમરેલી જિલ્લામાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવરકુંડલાના વીજપડી, ચીખલી, ધાંડલા, ગોરડકા જ્યારે ખાંભા તાલુકાના નાનુડી અને ભાડ સહિતના ગામોમાં ધોધમાર ઝાપટુ વરસ્યું હતું. અમરેલી જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડુતોમાં આનંદની લાગણી છવાઈ હતી.
રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજે 6 વાગ્યા બાદ શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો દેખાયા હતાં. સાધુવાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, કોઠારિયા રોડ, રેસકોર્સ રોડ સહિતના વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતાં આખો દિવસ અસહ્ય ઉકળાટ અને બફારો રહ્યા બાદ ઝાપટુ વરસતા લોકોને બફારામાંથી આંશિક રાહત મળી હતી.
તો વળી બીજી તરફ ભાવનગર જિલ્લામાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે વાવણીની કામગીરી નહિવત જેવી જોવા મળી રહી છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી. માત્ર એવા જ ગણતરીના ખેડૂતો કે જેમની પાસે પોતાના કૂવા, બોરવેલ અથવા અન્ય કોઈ ચોક્કસ સિંચાઈની સગવડ ઉપલબ્ધ છે, તેઓએ પોતાના જોખમે છૂટક વાવણીનો પ્રારંભ કર્યો છે. જ્યારે વરસાદ આધારિત ખેતી કરતા મોટાભાગના સીમાંત ખેડૂતો હજુ પણ સાર્વત્રિક અને સારા વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે. દિવસો વીતવા છતાં વાદળો માત્ર આકાશમાં બંધાઈને વિખરાઈ જતા હોવાથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
પીવાના પાણીની સ્થિતિ અંગે રાહતના સમાચાર એ છે કે ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ તુરંત કોઈ મોટો જળસંકટ ઊભો થાય તેવી ગંભીર પરિસ્થિતિ નથી. જિલ્લાના મુખ્ય જળાશયો, મોટા ડેમો તેમજ ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમોમાં આગામી સમય ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્રના મતે તાત્કાલિક ધોરણે પાણીની કોઈ અછત વર્તાય તેવી શક્યતા દેખાતી નથી. જો કે, જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં વહીવટી ક્ષતિઓને કારણે ભાવનગર શહેરમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કાપ, અનિયમિત વિતરણ અને ઓછા ફોર્સથી પાણી મળવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે.
