સાવરકુંડલામાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદથી ચોમાસાનો માહોલ જામ્યો : ચેકડેમ પ્રથમ વરસાદે જ છલકાયો, ભાવનગરના ગારિયાધારમાં પોણો ઈંચ વર્ષા : જાફરાબાદ, ખાંભામાં હળવા ઝાપટા
કાગાની ડોળે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં જોરદાર આગમન થઈ ગયું છે. સુરતમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યફો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર શરૂઆત કરી દીધી છે. અમરેલી જિલ્લામાં ચાર તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાવરકુંડલામાં ધમાકેદાર 76 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે રાજુલા જાફરાબાદમાં 7 મીમી અને ખાંભામાં 11 મીમી વરસાદના અહેવાલો છે. ભાવનગરના ગારિયાધારમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યારે વરસાદને પગલે સાવરકુંડલા પાસેના તાત્કાલીક હનુમાન આશ્રમ પાસેનો ચેકડેમ છલકાઈ ગયો હતો. ડોળાસા વરસાદી માહોલ છવાયો હતો.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
અમરેલી જિલ્લાના ચાર તાલુકાઓમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજુલા-જાફરાબાદ, સાવરકુંડલા અને ખાંભા ગીર પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને ત્યારબાદ ધોધમાર તેમજ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી, જ્યારે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ જોરદાર પધરામણી કરતા સમગ્ર જિલ્લામાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. રાજુલા અને જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્ય માર્ગો પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત રાજુલા તાલુકાના ટીંબી, નાગેશ્રી, હેમાળ, કડીયાળી, વઢેરા, ડુંગર, કુંભારીયા, દેવકા, હિંડોરણા, છતડીયા સહિતના ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. ભારે બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. ખેતરોમાં વરસાદી પાણી પહોંચતાં ખેડૂતોમાં નવી આશા જાગી છે. ખાંભા ગીર પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભા શહેર ઉપરાંત તાતણીયા, ઇંગોરાળા, નાની ધારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નાની ધારી ગામની બજારોમાં વરસાદી પાણી નદીની માફક વહેતા જોવા મળ્યા હતા. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસેલા આ વરસાદથી ગરમી અને બફારાથી લોકોને મોટી રાહત મળી છે. સાથે જ ખેતરોમાં વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોમાં નવી આશા જાગી છે. જો આગામી દિવસોમાં પણ વરસાદનો આવો જ સિલસિલો યથાવત રહેશે તો કૃષિ ક્ષેત્ર માટે ચોમાસાની સીઝન લાભદાયી બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં સવારથી સાંજે 8 વાગ્યા સુધીમાં સાવર કુંડલામાં 76 મી. મી., રાજુલા-જાફરાબાદ 7 મી.મી. અને ખાંભા 11મી. મી. વરસાદ ફલ્ડ કંટ્રોલ ખાતે નોંધાયો હતો.
ભાવનગરના ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ
ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં આજે બપોરે પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વલભીપુરમાં હળવા ,ભારે ઝાપટા વરસ્યાં હતા .
ભાવનગર જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે જિલ્લાના ગારીયાધારમાં વરસાદ પડ્યો હતો. ગારીયાધાર માં પોણો ઇંચ વરસાદ પડી ગયો છે. જ્યારે વલભીપુરમાં પણ બપોરે વરસાદ પડ્યો હતો. આજે સાંજ સુધી અન્ય તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. ગારીયાધાર માં 16 મી.મી. અને વલભીપુરમાં 6 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 29.1 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 51% અને પવનની ઝડપ 18 કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.
સાવરકુંડલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ચેકડેમ પ્રથમ વરસાદમાં જ છલકાયો
સાવરકુંડલા શહેરમાં તા. 30 જૂન 2026, મંગળવારે બપોરે મેઘરાજાએ સારી શરૂઆત કરાવતા શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. બપોરે અંદાજે દોઢ વાગ્યાના સુમારે શરૂ થયેલા સારા વરસાદથી ગરમી અને બફારામાં નોંધપાત્ર રાહત મળી હતી તેમજ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગો અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ પ્રથમ સારા વરસાદમાં જ છલકાઈ જતાં સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી. ચેકડેમમાં નવા નીરની આવક થતાં અનેક લોકો ત્યાં પહોંચી આ મનોહર દૃશ્ય નિહાળવા ઉમટી પડ્યા હતા. લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી. ખેતરોમાં ભેજ સર્જાતા વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ ચાલુ રહે તો ખેતી માટે લાભદાયી સાબિત થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદના આગમન સાથે શહેરમાં ચોમાસાનો માહોલ જામ્યો હતો. ઠંડા પવન અને મનમોહક વાતાવરણ વચ્ચે નાગરિકોએ પણ વરસાદનો આનંદ માણ્યો હતો. સીઝનની આ સારી શરૂઆતને સૌએ આવકારી હતી અને આગામી દિવસોમાં પણ સારા ચોમાસાની આશા વ્યક્ત કરી હતી.
ડોળાસા ગામે મેઘરાજા નુ આગમન થયું પણ મન મુકી ને વરસ્યા નહિ
કોડીનાર તાલુકા ના ડોળાસા અને આજુબાજુ ના કેટલાક ગામોમા પોણા સાત વાગ્યે વરસાદી માહોલ સર્જાયો હતો. મેઘરાજાએ વરસવું ચાલુ કર્યું પણ પંદર મિનિટ ના અમી છાંટાણા બાદ વાદળ વિખરાઈ ગયું હતું. આ સાલ વરસાદ લાંબાતા ખેડૂતો ચિંતામાં છે. આજે એમ લાગતું હતું કે મેઘરાજા ખેડૂતો ની ચિંતા દુર કરી દેશે…! પણ સીઝન મા પહેલીવાર વાદળો નુ શુભ આગમન થયું છે. તેથી ખેડૂતો ને આશા બંધાઈ છે.આજે સાત મી.મી. વરસાદ થયો છે.
રાજકોટમાં ચાલુ વર્ષે જૂન કોરો ધાકોળ : ગત વર્ષે 10 ઈંચ વરસાદ પડેલો
રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાનો જુન માસ મોટા ભાગનાં શહેરોમાં કોરો ગયો છે અને લગભગ જળાશયો ખાલી થવાના આરે છે. ત્યારે પણ ચાલુ વર્ષે હજુ મેઘરાજાએ કોઇ મોટી મહેર કરી નથી આથી હાલ સંપૂર્ણપણે ચિંતાના વાદળો જ છવાયેલા છે. આજરોજ જુન માસનો અંતિમ દિવસ છે છતાં પણ ચોમાસાનાં કોઇ એંધાણ નથી ત્યારે સર્વત્ર પાક અને પાણીની ચિંતા પ્રબળ બની છે. રાજકોટ શહેરની જ વાત કરીએ તો આજે જુન મહિનાના અંતિમ દિવસે પણ નગરજનો ધોધમાર વરસાદને બદલે ધોમ ધખતા તાપમાં પરસેવે ભીંજાઇ રહ્યા છે. હવામાન વિભાગમાંથી પ્રાપ્ત થતી વિગતો જોતા ગત વર્ષ 2025નાં જુન સામે ચાલુ વર્ષનો જુન રાજકોટ માટે અત્યંત કપરો સાબિત થયો છે. હવામાન વિભાગનાં સૂત્રો અનુસાર રાજકોટ શહેરમાં ગત વર્ષે જુનમાં 266.2 મી.મી. (10.50 ઇંચ) વરસાદ નોંધાયો હતો. જ્યારે ચાલુ વર્ષે જુનના આજે અંતિમ દિવસ સુધીમાં માત્ર 15 મીમી (0.5 ઇંચ) જ વરસાદ નોંધાયો છે. આમ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે જુનમાં 10 ઇંચ વરસાદ ઓછો નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોમાં કોઇ નોંધપાત્ર વરસાદના એંધાણ ન હોવાના હવામાન વિભાગનાં નિર્દેશો છે. ત્યારે સમગ્ર રાજ્યની સાથોસાથ રાજકોટ માટે પણ ખૂબ જ કપરી સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે.
તા. 2 થી 5 જુલાઈ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
માત્ર આગામી 3 કલાક જ નહીં, પરંતુ 29 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આગાહી મુજબ, 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને અહીં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝાપટાં 25 નોટ સુધી પહોંચી શકે છે. જોકે, આ વરસાદી માહોલ વચ્ચે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.
