સતત બીજા દિવસે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં વરસાદ ખેંચાતા રાજ્યભરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. વાતાવરણમાં ભેજ અને કડક તડકાના કારણે લોકો અકળાઈ ઉઠ્યા છે, જ્યારે બીજી તરફ વરસાદના અભાવે ખેડૂતોના પાક પર પણ સંકટ ઘેરાઈ રહ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ ભાવનગર 36.2°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું, જ્યારે 35.6°C સાથે કંડલા બીજા ક્રમે રહ્યું હતું.

દરમિયાન, હવામાન વિભાગ દ્વારા વરસાદ પ્રેમીઓ માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર સર્જાયેલી વેલ માર્ક્ડ લો પ્રેશર સિસ્ટમ અને અરબી સમુદ્ર તરફથી પસાર થઈ રહેલી ટ્રફ લાઈનને કારણે રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય બનવાની શક્યતા છે. આગામી 8થી 9 દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને સમગ્ર ગુજરાત તેમજ સંઘપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ સીઝનમાં રાજ્યમાં સરેરાશ 16% વરસાદની ખાધ નોંધાઈ છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર વિસ્તારમાં 37% અને અમદાવાદ જિલ્લામાં 4% વરસાદની ઘટ જોવા મળી છે.

રિલેટેડ ન્યૂઝ