વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસ અગાઉ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) દ્વારા સમગ્ર શહેરમાં વ્યાપક સ્વચ્છતા અને પર્યાવરણ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાનમાં હજારો સ્થાનિક રહીશો, સફાઈકર્મીઓ, સરકારી અધિકારીઓ, નેતાઓઉપરાંત વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8મી સપ્ટેમ્બરે વડોદરાની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ગુજરાતમાં રૂ. 35,200કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત, તેઓ શહેરમાં યોજાનારા ’નમો 4વિકસિત ભારત’ કાર્યક્રમને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાનની મુલાકાત માટે ગુજરાત સરકારના વિશેષ’સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન હેઠળ આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર સ્થળો, તળાવો, બગીચાઓ, આરોગ્ય અને બાળ સંભાળ કેન્દ્રો, ઐતિહાસિક વારસાગત સ્થળો તથા જળાશયો અને શહેરના અન્ય સ્થળોની સ્વચ્છતા અને જાળવણી પર વિશેષ ભાર મુકાયો છે. 1થી 4સપ્ટેમ્બર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં સમગ્ર શહેરમાંથી લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
1સપ્ટેમ્બરે કમલાનગર તળાવ અને તેની આસપાસના વિસ્તારોમાં યોજાયેલી સફાઈ ઝુંબેશમાં 16,000થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જ્યારે શહેરના 19વોર્ડમાં 24,000થી વધુ લોકો સફાઈની કામગીરીમાં જોડાયા હતાં. આ કામગીરી માટે મિકેનિકલ સ્વીપર્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ સ્વીપિંગ મશીનો, ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતા વાહનો, ઈ-વેહિકલ્સ, જેસીબી અને ડમ્પર્સ સહિત આશરે 300 જેટલા મશીનો અને વાહનો તૈનાત કરવામાં આવ્યા હતાં. પર્યાવરણીય જાગૃતિ અભિયાનના ભાગરૂપે વૃક્ષારોપણ અને છોડ વિતરણની પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી.
2જી સપ્ટેમ્બરે વીએમસીએ આ સફાઈ અભિયાન આંગણવાડી કેન્દ્રો અને અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ (યુપીએચસી) સુધી વિસ્તાર્યું હતું. જે અંતર્ગત 30 આંગણવાડી કેન્દ્રો પર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં આશરે 3,000 લોકોએ ભાગ લીધો હતો.
