રથ, બાઇક, કાર સાથેની યાત્રાનું સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત
જરૂરીયાતમંદ બહેનોને સહાયના ચેક, આવાસ યોજનાની સનદ અપાઇ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીના જાહેર જીવન અને સત્તામાં સફળ 25 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી તેમજ ‘વિરાસતથી વિકાસ’ અને ‘સંકલ્પથી સિદ્ધિ’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી સોમનાથથી વડનગર સુધી નીકળેલી ભવ્ય જન સેવા સંકલ્પ બાઈક યાત્રા 14 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ વીરપુર ખાતે આવી પહોંચી હતી.
13 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે સોમનાથથી પ્રારંભ થયેલી આ યાત્રા કોડીનાર, કેશોદ, જૂનાગઢ, વડાલ સહિતના વિવિધ સ્થળોએથી પસાર થઈ વીરપુર પહોંચી હતી. રથ, બાઈક અને કારના વિશાળ કાફલા સાથે યાત્રાના આગમન સમયે સ્થાનિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને ગ્રામજનો દ્વારા કંકુ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રાના આગમનથી વીરપુરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વીરપુર ખાતે કાર્યક્રમની શરૂઆત જલારામ બાપાની મૂર્તિ સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં જરૂરિયાતમંદ બહેનોને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાનની સનદ એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી પ્રદ્યુમ્ન વાંજાએ જલારામ બાપાની જયના નારા સાથે પોતાના ઉદ્બોધનની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2047માં દેશની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના સંદર્ભમાં ભારતને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવાની વાત કરી હતી. ‘વિરાસતથી વિકાસ’ની ભાવનાને સાકાર કરીને દેશના વિકાસને નવી દિશા આપવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ સોમનાથથી અયોધ્યા સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હવે વડનગરથી વારાણસી સુધી પણ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આવી યાત્રાઓના માધ્યમથી દેશની સાંસ્કૃતિક વિરાસત, સેવા અને વિકાસનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જન સેવા સંકલ્પ યાત્રાનું આયોજન ગુજરાતના વિવિધ ઝોન અને પવિત્ર યાત્રાધામોને સાંકળીને કરવામાં આવ્યું છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે આ યાત્રાને ‘જન સેવાથી રાષ્ટ્ર સેવા’ની યાત્રા ગણાવી હતી.
યાત્રા દરમિયાન ગુજરાતની વિવિધ પવિત્ર નદીઓ અને યાત્રાધામોમાંથી જળકળશમાં પવિત્ર જળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ જળ આગામી 16 સપ્ટેમ્બરે વડનગર ખાતે શ્રી હાટકેશ્વર મહાદેવના જળાભિષેક માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવ સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમમાં પણ પવિત્ર જળનો ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા વીરપુર બાદ ગોંડલ, આટકોટ, જસદણ, વિંછીયા, પાળીયાદ, તરગડા, સારંગપુર, બરવાળા, ધંધુકા, ધોળકા, સરોડા, પીરાણા, તેલાવ, સાણંદ, ખોડા, બેચરાજી, મહેસાણા અને સાવલા સહિતના વિવિધ સ્થળોએથી પસાર થઈને આગામી 16 સપ્ટેમ્બરે વડનગર ખાતે પહોંચશે, જ્યાં ધાર્મિક કાર્યક્રમો સાથે યાત્રાનું સમાપન કરવામાં આવશે.
વીરપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રી પ્રદ્યુમ્ન વાંજા, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો, ભાજપના કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
