ઘેડ-કુતિયાણા-માણાવદર પંથકના 12થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતા ખુશીની લહેર
84 કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા પોતાના મતવિસ્તારના ખેડૂતો માટે હંમેશા ખરા લોકપ્રહરી બની રહ્યા છે. વિસ્તારની જનતા કે ખેડૂતોને જ્યારે પણ કોઈ પ્રશ્ન કે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે તેઓ હંમેશા તેમની પડખે ઉભા રહ્યા છે. છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત પડે ત્યારે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા નિસ્વાર્થપણે તેમની વ્હારે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ પાક માટે સિંચાઈની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા તા. 03/12/2025ના રોજ સિંચાઈ વિભાગમાં બાંટવા ખારા ડેમ સહિત અન્ય ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. સિંચાઈ માટે ખેડૂતો પાસેથી ભરવાની થતી રકમ દર વર્ષની જેમ તેઓ પોતે ભરવા તૈયાર હોવાનું પણ રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ઘેડ પંથક સહિત સમગ્ર વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાની પહોંચી હતી. આ હકીકતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂત હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની અસરકારક રજૂઆતના પરિણામે આ વર્ષે બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે કુલ 80.00 એમ.સી.એફ.ટી. પાણી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિ:શુલ્ક છોડવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા આજે તા. 11/01/2026ના રોજ બાંટવા ખારા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પાણીનો લાભ માત્ર કુતિયાણા વિસ્તાર પૂરતો સીમિત ન રહેતા માણાવદર તાલુકાના ખેડૂતોને પણ મળશે. પરિણામે રવિ પાકોની વાવણી કરેલ હજારો વીઘા જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. બાંટવા ખારા ડેમમાંથી છોડાયેલું પાણી માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા, સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ, ગરેજ સહિત 12થી વધુ ગામોના ખેડૂતોને લાભ આપશે. આ ગામોમાં ખેડૂતો દ્વારા વાવણી કરેલ ચણા, ઘઉં સહિતના રવિ પાકોને પૂરતું સિંચાઈ પાણી મળતા પાક ઉત્પાદન વધવાની આશા સેવાઈ રહી છે. ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થતા કુતિયાણા વિધાનસભા મતવિસ્તારના સરપંચો, ખેડૂત આગેવાનો તથા મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ સાઇટ પર પહોંચ્યા હતા અને સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને વધાવી આનંદ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખેડૂત આગેવાનો અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ સાચા અર્થમાં ખેડૂતોના હિતમાં લોકપ્રતિનિધિ તરીકેની ફરજ નિભાવેલી છે. છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી દર વર્ષે ખેડૂતો માટે સિંચાઈના ચાર્જ પોતાની ખિસ્સેથી ભરી યોગ્ય સમયે ડેમમાંથી પાણી છોડાવી તેઓ ખરેખર ખેડૂતોના રક્ષણકર્તા સાબિત થયા છે. આ વર્ષે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાનીને ધ્યાનમાં રાખીને સરકારે પણ સિંચાઈ માટે ભરવાની થતી રકમ માફ કરી નિ:શુલ્ક પાણી છોડવાની મંજૂરી આપતા ખેડૂત વર્ગમાં આનંદ અને સંતોષની લાગણી છવાઈ ગઈ છે. સફળ રજૂઆત બદલ ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો કુતિયાણા અને માણાવદર પંથકના ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
