ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને સામાન્ય જ્ઞાન કસોટી સ્પર્ધા યોજાઈ

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો: વિજેતાઓને કરાયા પુરસ્કૃત

ખંભાળિયામાં રઘુવંશી શૈક્ષણિક સંસ્થા દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા અને સામાન્ય જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો. ખંભાળિયામાં રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ એલ.કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે ડ્રોઈંગ કોમ્પિટિશન તેમજ ધોરણ 6 થી કોલેજ સુધીના બાળકો માટે જનરલ નોલેજ કોમ્પિટીશનનું સુંદર આયોજન અત્રે જુની લોહાણા મહાજન વાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 260 વિધાર્થી તેમજ વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં સુંદર ડ્રોઈંગ તેમજ જનરલ નોલેજમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નબર પ્રાપ્ત કરનારા બાળકોને દાતાઓના સહકારથી આકર્ષક ઈનામો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થા દ્વારા પણ તમામ બાળકોને ગીફ્ટ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વે દાતાઓ, વાલીઓ તેમજ બાળકોનું તથા વિવિધ સંસ્થાના હોદેદારોનો રઘુવંશી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ આયોજનમાં રઘુવંશી એજ્યુકેશન સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ તેમજ કમિટી મેમ્બરોની ટીમ વર્કને લીધે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે દીપી ઉઠ્યો હતો. આજરોજ યોજાયેલી ડ્રોઈંગ કોમ્પીટીશનમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓમાં ગ્રુપ 1 માં રાડિયા ઓમ કુંજન, પંચમતિયા પુષ્ટિ પ્રફુલ, પંચમતિયા ચાર્વી કરન જ્યારે ગ્રુપ 2 માં સાયાણી સ્વરા મિલન, દાવડા આરોહી રોનક, સોમૈયા હીર મેહુલ, ગ્રુપ 3 માં ગોકાણી સુખદા બંસીલાલ, કાનાબાર શ્યામા રાજેશ, મોદી ઉન્નતિ અખિલેશ, જ્યારે ધોરણ 9 થી ઉપરના ગ્રુપ 4 માં વડેરા નીલ કેતન, સોમૈયા શ્રદ્ધા જતીન અને મજીઠીયા જીનલ વિજેતા થયા હતા.
આ ઉપરાંત જનરલ નોલેજ કોમ્પીટીશનમાં ગ્રુપ પ્રમાણે પ્રથમ ત્રણ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓમાં ગ્રુપ 1 માં બરછા પ્રાચી નિકેશ, હિંડોચા રાશિ જયસુખ, દત્તાણી બંસી યતીન, ગ્રુપ 2 માં દત્તાણી ખુશ ચિરાગ, પાઉ દિગંત મહેશ અને મજીઠીયા ઉત્સવ નૈમિષ વિજેતા બનતા તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓમાં ખૂબ જ આકર્ષણ રૂપ બન્યું હતું.

રિલેટેડ ન્યૂઝ