ધ્રાંગધ્રાના સોલડી ટોલ પ્લાઝા પર સર્વર ઠપ્પ થતા હાઈવે પર ટ્રાફીક જામ

ટેકનિકલ ખામી સર્જાતા વાહનોના થપ્પા લાગતા ચાલકો પરેશાન
કચ્છ અને અમદાવાદને જોડતી ગુજરાતની આર્થિક ધોરીનસ સમાન નેશનલ હાઈવે પર ગત દિવસે અરાજકતા જેવો માહોલ જોવા મળ્યો હતો. સોલડી ટોલ પ્લાઝા પર અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અને સર્વર ઠપ્પ થઈ જતા હાઈવે પર વાહનોના પૈડાં થંભી ગયા હતા. કચ્છ-અમદાવાદને જોડતો નેશનલ હાઈવે ઉદ્યોગોનું ધબકાર કેન્દ્ર છે. કાચા માલ, કેમિકલ, કોલસા, લોખંડ, કપડાં તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ વહન કરતાં હજારો વાહનો દ્વારા આ હાઈવે 24 કલાક ધમધમતો રહે છે. આવા મહત્વના માર્ગ પર ટોલ ટેક્સની સિસ્ટમ ફેલ થવી એ માત્ર ટ્રાફિક સમસ્યા નથી, પરંતુ સંપૂર્ણ સપ્લાય ચેઇન પર આઘાત છે. વાહનચાલકો કલાકો સુધી અટવાતા રહે છે, ઇંધણ બળે છે, ડિલિવરી મોડી પડે છે અને સીધું આર્થિક નુકશાન ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટરોને ભોગવવું પડે છે. સિસ્ટમ ડાઉન થતાં ટોલ પર ઉભી રહેલી લાંબી લાઈનોના કારણે ન માત્ર માલ વહન અટક્યું, પરંતુ વાહનચાલકોને માનસિક તાણ, સમય નુકશાન અને અનિશ્ચિતતા સહન કરવી પડી. આવું બનવું એ ટોલ સંચાલનની ગંભીર બેદરકારીનો પુરાવો છે. અહીં સવાલ એ છે કે શું હાઈવે ઓથોરિટી અને ટોલ અધિકારીઓ માત્ર નોટિસ આપીને ફરજ પૂરી કરી દેશે? અથવા ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે વૈકલ્પિક સિસ્ટમ, બેકઅપ સર્વર અને ઇમરજન્સી પ્રોટોકોલ અમલમાં મૂકાશે?આવો હાઈવે જ્યાં દેશના ઉદ્યોગોની નસ વહે છે, ત્યાં સિસ્ટમ ફેલ કોઈ બહાનું બની શકે નહીં. ટોલ ટેક્સ વસૂલાત જેટલી નિયમિત છે, એટલી જ જવાબદારી પણ નક્કી થવી જોઈએ.જો સમયસર કડક પગલાં નહીં લેવાય, તો નુકશાન માત્ર વાહનચાલકોનું નહીં રહે તેનો ફટકો સમગ્ર અર્થતંત્રને લાગશે.

તંત્રએ વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઇએ
મારૂ ટેલર લઈને સુરતથી કચ્છ ગાંધીધામ જવા નીકળેલ ત્યારે ટોલ ટેક્સની સીસ્ટમ ફેલ થતા ચાલ કલાક સુધી હાઈવે પર ફસાઇ ગયા હતા તેના લીધે પરેશાન થઈ ગયા હતા ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ જેથી વાહન ચાલકો ને મુશ્કેલીઓ નો પડે.. જયતીરામ બીસનોય ડ્રાઈવર.

રિલેટેડ ન્યૂઝ